વહેલી સવારે ત્રંબા પહોંચેલા નર્મદાના નીર સાંજે આજી ડેમમાં આવી પહોંચ્યા
શહેરીજનોમાં ભારે ખુશાલી: ડેમમાં ૭૩૫ એમસીએફટી પાણી ઠલવાશે
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અપૂરતા વરસાદના કારણે રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ માત્ર ૨૦ ટકા જેટલો જ ભરાયો છે. સપ્ટેમ્બર માસના અંતમાં ડેમ સાથ છોડી દે તેવી દહેશત રહેલી છે ત્યારે રાજય સરકાર દ્વારા મહત્વકાંક્ષી સૌની યોજના અંતર્ગત આજીડેમને નર્મદાના નીરથી ભરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગઈકાલે મચ્છુ-૧ ડેમથી પાઈપલાઈન મારફત આજી ડેમ તરફ નર્મદાના નીર છોડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે ત્રંબા પાસે નર્મદાના નીર આવી પહોંચ્યા હતા જયાંથી નદીના વહેણ મારફત નર્મદા મૈયાનું સાંજે ૫:૦૦ કલાકે આજીમાં અવતરણ થતા મહાપાલિકાના ભાજપના શાસકો તથા અધિકારીઓએ નર્મદા મૈયાની વધામણી કરી હતી. ડેમમાં નર્મદા મૈયાના અવતરણને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા.
ગત ગુરુવારે મેયર બીનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની ગાંધીનગર ખાતે દોડી ગયા હતા જયાં તેઓએ મુખ્યમંત્રીને રાજકોટના અલગ-અલગ પ્રશ્ર્ને રજુઆત કરી હતી. અપુરતા વરસાદના કારણે જળાશયોમાં પાણીની સંતોષકારક આવક થવા પામી ન હોય આજી ડેમમાં ૭૩૫ એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી જેનો મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ ત્વરીત સ્વિકાર કરી લીધો હતો.
ગઈકાલથી મચ્છુ-૧ ડેમથી આજી ડેમ તરફ પાઈપલાઈન મારફત નર્મદાના નીર રવાના કરી દેવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે ત્રંબા નજીક નર્મદાનું પાણી આવી પહોંચ્યું હતું જયાંથી નદી માર્ગે આ પાણી ડેમ તરફ આગળ વધી રહ્યું છે. સાંજે ૫:૦૦ કલાક સુધીમાં નર્મદાના પાણી આજીડેમમાં આવી પહોંચ્યું હતું.
મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેનિડંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ બ આજીડેમ ખાતે દોડી ગયા હતા
અને તેઓએ નર્મદા મૈયાના વધામણા કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌની યોજના અંતર્ગત આજીડેમમાં ૭૩૫ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવામાં આવશે. અગાઉ બે વખત રાજય સરકારે સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરથી ભરી દિધો છે.