ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી સબબ દુધસાગર પમ્પીંગ સ્ટેશન હેઠળના વોર્ડ નં.૬ (પાર્ટ) અને વોર્ડ નં.૧૫ (પાર્ટ)ના વિસ્તારોમાં વિતરણ બંધ
રાજકોટવાસીઓને પાણી રતિભાર પણ મુશ્કેલી વેઠવી ન પડે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ ફરી આજીડેમને નર્મદાના નીરથી છલકાવી દેવાનો નિર્ણય કર્યાના ગણતરીની કલાકોમાં આજીડેમમાં નર્મદાનું પાણી ઠાલવી દેવાનું પણ શ કરી દીધું છે.
રાજય સરકાર તો પાણીદાર છે પરંતુ નપાણીયા કોર્પોરેટર તંત્રના પાપે શહેરીજનોને દૈનિક ૨૦ મિનિટ પાણી પણ નશીબમાં નથી. એક યા બીજા કારણોસર મહાપાલિકા તંત્ર દ્વારા શહેરીજનો પર પાણીકાપના પોરડા વિંઝવામાં આવી રહ્યા છે. આગામી સોમવારે પણ દુધસાગર પમ્પીંગ સ્ટેશનના વોર્ડ નં.૬ (પાર્ટ) તથા વોર્ડ નં.૧૫ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે.
મહાપાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દુધસાગર પમ્પીંગ સ્ટેશન ખાતે આગામી તા.૧૦ને સોમવારના રોજ આજી ફિલ્ટર પ્લાન્ટ પરથી આવતી ૩૫૦ એમએમ ડાયાની પાઈપલાઈન પર સ્કાડા ફેઈસ-૩ અંતર્ગત ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી સબબ દુધસાગર પમ્પીંગ સ્ટેશન આધારીત વોર્ડ નં.૬ (પાર્ટ) અને વોર્ડ નં.૧૫ (પાર્ટ)ના વિસ્તારોમાં સોમવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. એક તરફ નર્મદાના નીરથી આજીડેમ ભરાતો હશે ત્યારે બીજીતરફ લાખો લોકો સોમવારે પાણીકાપના પાપે તરસ્યા રહેશે.