જુનાગઢ માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા હાલ પાટીદાર સમાજના હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવાની સાથે સરકારના વલણ સામે આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે, સરકારે હાલ હાર્દિકને કમસેકમ સાંભળવો તો જોઈએ જ આ સરકારમાં ન્યાય માટે મથતા લોકોને સંતોષકારક રીતે સાંભળવાની તસ્દી પણ સરકારમાં બેઠેલાઓ લઈ શકયા નથી.
આ સરકાર કરતા બ્રિટીશરો પણ સારા હતા કે જે આંદોલનકારીઓ સાથે વાતચીતનો દૌર શરૂ કરી સકારાત્મક નિર્ણયો કરતા ભારતને આઝાદી મળી તે પણ વાટાઘાટોને અંતે જ મળી હતી. ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ જીલ્લાના દરેક તાલુકાએ જઈ એક દિવસ માટે અન્નજળનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય જવાહર ચાવડાએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
જેમાં માહિતી આપતા તેણે જણાવ્યું હતું કે, બ્રિટીશ શાસનમાં પણ લોકો ઉપવાસ કરી શકતા, પોતાનો અવાજ રજુ કરી શકતા પરંતુ વર્તમાન સમયમાં હાર્દિકના ઉપવાસ અંગે સરકારના વલણથી સાબિત થઈ ગયું છે કે આઝાદી પછી પણ લોકશાહીમાં લોકોને પોતાનો અવાજ રજુ કરવાની પણ છુટ નથી આને લોકશાહી કહેવાય ત્યારે લોકશાહીને જીવંત રાખવા માટે ઉપવાસ આંદોલન કરવાનો છું તેમ માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે હાર્દિકની વાત માનવી ન માનવી એ પછીની વાત છે પરંતુ તેની વાત સાંભળવી એ સરકારની ફરજ છે. ૧૪૪ની કલમ એ લોકશાહીના ખુન સમાન છે. હજુ આ ઉપવાસ કરવાનો છુ તે ખાનગી સ્થળ છે જયાં ૧૪૪ની કલમ લાગુ ન પડે છતાં સરકાર સ્થળ રદ કરાવશે તો બહાર બેસીને પણ ઉપવાસ કરીશ ઉપવાસ દરમિયાન જળનો પણ ત્યાગ કરીશ તા.૮ જુનાગઢ યમુનાવાડી તા.૯ માણાવદર પટેલ સમાજ, તા.૧૦ વંથલી, પટેલ સમાજ તા.૧૧ મેંદરડા પટેલ સમાજ તા.૧૨ અમલ પટેલ સમાજ તા.૧૩ વિસાવદર, તા.૧૪ ભેંસાણ પટેલ સમાજ અને ૧૬ માળીયા બ્રહ્મ સમાજ ખાતે ૧૦ થી ૬ દરમિયાન ઉપવાસ કરીશ લોકોને પણ જોડાવવા અપીલ કરેલ છે.