સુરેન્દ્રનગરમાં પ્રભારી મંત્રીની ઉ૫સ્થિતિમાં લોકોના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે કાર્યક્રમ યોજાયો
જયાં માનવી ત્યાં સુવિધાના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અભિગમ અનુસાર પ્રજાની આશા, અપેક્ષા સંતોષવા માટે રાજય સરકારે ખુબ જ સંવેદનશીલતા સાથે પ્રજાના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટેના કાર્યો શરુ કર્યા છે. તેમ સુ.નગર ખાતે નાગરીકોના પડતર પ્રશ્ર્નોના નિરાકરણ માટેના કાર્યક્રમમાં જીલ્લાના પ્રભારી અને ગ્રામ ગૃહ નિમાણ પાણી પુરવઠા અને પશુપાલક મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.
મંત્રી બાવળીયાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે સુ.નગર જીલ્લામાં નર્મદાનું પાણી સૌથી વધારે મળે છે. ત્યારે ખેડુતોને ખેતી માટે પુરતા પ્રમાણમાં અને સમયસર સિંચાઇ માટે પાણી મળી રહે તે ખાસ જોવું જોઇએ. સામાન્ય ગ્રામજનો માટે પીવાનું પાણી અત્યંત જરુરી છે. ત્યારે પીવાના પાણીના પ્રશ્ર્નો ઉભા ન થાય તેની ખાસ તકેદારી રાખવા મંત્રીએ ઉ૫સ્થિત લગત વિભાગના અધિકારીઓને સુચન કર્યુ હતું.
આ તકે મંત્રીએ ખેડુતોને વિજળી અને પાણીની ગેરકાયદેસર ચોરી ન કરવા ખાસ અપીલ કરી હતી અને વિજળીના પ્રશ્ર્નો માટે અરજદારોના ફોનનો પ્રત્યુતર મળવો જોઇએ તેમ જણાવ્યું હતું.
રાજય સરકાર દ્વારા પ્રજાજનોની ચિંતા કરીને જીલ્લા તમામ અધિકારીઓની ઉ૫સ્થિતિમાં આયોજીત કરેલા કાર્યક્રમમાં જીલ્લાના પ્રજાજનોના પ્રશ્ર્નોનું મંત્રીની ઉ૫સ્થિતિમાં સુખદ નિરાકરણ લાવવાનો આયામ હાથ ધરાયો હતો.
સુ.નગર ખાતે મંત્રી પટેલની ઉ૫સ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પીવા સિંચાઇના પાણી, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, નર્મદાના પાણી, પીજીવીસીએલ, શિક્ષણ, આરોગ્ય સહીતના પ્રશ્ર્નો અરજદારો દ્વારા રજુ કરવામાં આવેલ હતા. અરજદારો દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્ર્નો પૈકી મોટાભાગના પ્રશ્ર્નોના હકારાત્મક નિકાલ મંત્રીશ્રીના પ્રયાસોથી કરવામાં આવેલ હતો. રાજયકક્ષાએ પડતર પ્રશ્ર્નોનુ વહેલી તકે નિરાકરણ થાય તે માટે તાત્કાલીક ધોરણે કાર્યવાહી હાથ ધરવા મંત્રીએ સંબંધીત અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, કલેકટર કે.રાજેશ, જીલ્લા વિકાસ અધિકારી, મનીષકુમાર બંસલ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તાલુકા વિકાસ અધિકારીઓ, અમલીકરણ અધિકારી, પદાધિકારી અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.