સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે તા.૧૨ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન પરંપરાગત ભાતીગળ લોકમેળો યોજાશે
તરણેતરના મેળાના સુચારૂ આયોજન માટે તરણેતર ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશે જણાવ્યું હતું કે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ પ્રસિધ્ધ તરણેતરનો પરંપરાગત ભાતીગળ લોકમેળો આગામી તા. ૧૨ થી ૧૫ સપ્ટેમ્બર-૨૦૧૮ સુધી યોજાશે. લોકોના આરોગ્યની સાથોસાથ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રજાજનો ભાતીગળ મેળો મુકતમને માણી શકે તે હેતુથી પુરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે.
કલેકટરશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે આ મેળામાં અવતી રાસમંડળીઓ, રાવટીઓ, કલાકારો માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. મેળામાં અલગ અલગ સ્થળોએથી આવતી રાવટીઓ તથા ભજન મંડળીઓ માટે વિજળી અને પાણીની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ મેળામાં ગ્રામીણ ઓલમ્પિકસનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, નળીયેર ફેંક, માટલા દોડ, દોડ વગેરે જેવી રમતો તેમજ પશુ હરિફાઇ અને પશુ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવનાર હોવાનું આ તકે જણાવ્યું હતું. તેમણે તરણેતરને જોડતા રસ્તા, પાર્કિંગ વ્યવસ્થા, બસ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, તળાવ- મેળાના મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામિણ ઓલમ્પિકસ, પશુમેળો, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે ઘનિષ્ઠ ચર્ચા-વિચારણા કરી હતી.
તરણેતરના મેળાના સ્થળની જાત તપાસ કરીને યોજાયેલી બેઠકમાં શ્રી કે. રાજેશે વધુમાં જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં ભાતીગળ પરંપરાગત લોકમેળો બની રહે તે માટે પ્રત્યેક વિભાગના અધિકારીશ્રીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. આ લોકમેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ આ સ્થળે સ્વચ્છતા જળવાઇ રહે તે માટે લોકોને સ્વચ્છતા રાખવા ખાસ અપીલ કરી છે. ખાસ કરીને પાણીના તથા નાસ્તાના પાઉચનો કચરો ન થાય તે જોવા વહીવટી તંત્રે સજાગતા રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક મનિન્દરસિંહ પવાર, પ્રાંત અધિકારી સર્વ વી.કે. પટેલ, પી.એમ. મોણપરા, પ્રોબેશ્નરી આઇ.એ.એસ. સ્વપ્નીલ ખરે, અગ્રણી સર્વ વિજયભાઇ ભગત, રામકુભાઇ ખાચર, પ્રતાપભાઇ ખાચર, શાહબુદીનભાઇ રાઠોડ, હામાભાઇ તથા તરણેતરના સરપંચશ્રી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.