ડેન્ગ્યુ અટકાયતી માટે મહાપાલિકાની ટીમોએ હાથધર્યું ચેકિંગ: મચ્છર ઉત્પતિ સબબ રૂ.૧.૨૫ લાખનો વહિવટી ચાર્જ વસુલ કરાયો
શહેરમાં વકરતા ડેન્ગ્યુના રોગચાળાને નાથવા માટે મહાપાલિકાની શહેરી મેલેરિયા યોજના વિભાગ દ્વારા ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ૧૦૩૮ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું જે પૈકી ૭૨૫ સ્થળોને મચ્છર ઉત્પતિ સબબ નોટિસ ફટકારવામાં આવી હતી. મચ્છર ઉત્પતિ સબબ કુલ રૂ.૧,૨૫,૯૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
મહાપાલિકાના શહેરી મેલેરિયા યોજના વિભાગ દ્વારા શહેરના ૧૦૩૮ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હોટલ મહાશકિત, યોર રેસ્ટોરેન્ટ, નિશીતા એન્ટરપ્રાઈઝ, રાજયોગ ચેમ્બર, રાજ ટોકીઝ, હૈકીમ હાઉસ, જસાણી સ્કુલ, પી.ડી.એમ.કોલેજ, પ્રાઈડ સ્કવેર, મહાઆશિષ કોર્નર, સનસિટી ટીટેનીયમ, શિલ્પન આઈકોન, નંદ હાઈટ, જયરામ પાર્ક, પટેલ વિહાર, સંજય મેડિકલ એજન્સી, અભિરામ પાર્ક, મધુવન સોસાયટી, સાળંગ ક્ધટ્રકશન, પલ પ્લાઝા, હ્યુન્ડાઈ શો-મ, શિવશકિત ઈન્ડસ્ટ્રીઝ, શિવસાગર વોટર સપ્લાય, બાલાજી ટ્રેડર્સ, ગણેશ એન્ટરપ્રાઈઝ, સરદારનગર બાંધકામ સાઈટ, ભાવનગર રોડ પરની ઈન્ડસ્ટ્રીઝ, શિલ્પન ઓનેક્ષી, ભરતભાઈ ટાયરવાળા, ભાવેશભાઈ ટાયરવાળા અને તુષારભાઈ ટાયરવાળા સહિતના ૭૨૫ આસામીઓને મચ્છર ઉત્પતિ સબબ દંડ ફટકારવામાં આવ્યો હતો. કુલ ૧,૨૫,૯૦૦નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.
આ કામગીરીમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી ડો.હિરેન વિસાણી, વૈશાલીબેન રાઠોડ, દિલીપદાન નાંધુ, વી.વી.વ્યાસ સહિતના જોડાયા હતા.