સામાન્ય સભા શરૂ થયા બાદ સ્ટે મુકવો અયોગ્ય હોવાનું જણાવી પ્રમુખો સ્થાનેથી સમિતિઓની સત્તા પરત ખેંચવાનો ઠરાવ રજુ કરાયો: ૨૨ સભ્યોની બહુમતીથી ઠરાવ પસાર
જિલ્લા પંચાયતમાં સત્તાનો વિવાદ ચરમસીમાએ
ચાલુ સભાએ ડીડીઓનો ફોન રણકયો, ફોન પર વિકાસ કમિશનરે સ્ટેનો આદેશ કર્યો
આજે રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક અને સામાન્ય સભા અડધા કલાકના અંતરે મળી હતી. સામાન્ય સભામાં સતાનો વિવાદ ચરમસીમાએ જોવા મળ્યો હતો. ચાલુ સભા દરમિયાન ડીડીઓનો ફોન રણકયો હતો અને ફોન પર વિકાસ કમિશનરે રજુ થનાર કારોબારી અને બાંધકામ સમિતિની સતા પરત ખેંચવાના ઠરાવ પર સ્ટે મુકી દીધો હતો. ચાલુ સભાએ મુકવામાં આવેલો સ્ટે અયોગ્ય હોવાનું જણાવીને પ્રમુખપદેથી આ ઠરાવ રજુ પણ કરાયો હતો અને ૨૨ સભ્યોની બહુમતીથી આ ઠરાવને પસાર કરવામાં આવ્યો હતો.આજરોજ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક અને સામાન્ય સભા માત્ર અડધા કલાકના અંતરે જ યોજાનાર હતી જેને પગલે નવા-જુનીના એંધાણ અગાઉથી વર્તાય રહ્યા હતા. બાગીજુથમાં અંદર ખાને અસંતોષ પ્રવર્તતા ૮ જેટલા સભ્યોએ ખાટરીયા જુથનો હાથ પકડયો હતો
ત્યારે ખાટરીયા જુથ પોતાના શરણે આવેલા ૮ તેમજ તેમના ટેકેદારો મળીને કુલ ૨૨ જેટલા સભ્યોને લઈને અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા હતા તે દરમિયાન ગઈકાલે તેઓએ વિપક્ષી નેતા પરેશ ધાનાણીની મુલાકાત પણ લીધી હતી. આજરોજ સામાન્ય સભા વખતે આ સભ્યોને જિલ્લા પંચાયત કચેરીએ લઈ આવવામાં આવ્યા હતાજિલ્લા પંચાયત કચેરી ખાતે સવારે ૧૦:૦૦ કલાકે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં ચંદુભાઈ શીંગાડા અને શિલ્પાબેન આ બે સભ્યોએ કારોબારીનો બહિષ્કાર કરી ચાલુ બેઠકે ચાલતી પકડી હતી. બાદમાં ૧૦:૩૦ કલાકે સામાન્ય સભા મળી હતી જેમાં પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી અને ભાનુબેન તળપદા ગેરહાજર રહ્યા હતા.
સભામાં સૌપ્રથમ રાષ્ટ્રગાન કરાયું હતું બાદમાં બે મિનિટ મૌન પાડી શોક વ્યકત કરવામાં આવ્યો હતો. સામાન્ય સભાથી સૌથી મુખ્ય વાત તો એ હતી કે સભામાં કારોબારી સમિતિ અને બાંધકામ સમિતિના પાવર પરત ખેંચવાનો ઠરાવ પસાર કરવામાં આવનાર હતો. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયા સામાન્ય સભા મોડેથી આવ્યા હતા ત્યારબાદ ચાલુ સભાએ તેમનો ફોન રણકયો હતો. ફોનમાં સામે વિકાસ કમિશનરે ફોન પર સમિતિના પાવર ખેંચવાના ઠરાવ પર સ્ટેનો આદેશ કર્યો હતો. આ આદેશને જિલ્લા વિકાસ અધિકારીએ સભ્ય સમક્ષ મુકયો હતો. બાદમાં મામલો થોડો બિચકયો હતો અને સભ્યોએ બહેશ શરૂ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ સભામાંથી ચાલતી પકડી હતી.
ચાલુ સામાન્ય સભામાં કારોબારી અને બાંધકામ સમિતિના પાવર પરત ખેંચવાના ઠરાવ સામે વિકાસ કમિશનરને આપેલો સ્ટે અયોગ્ય હોવાનું જણાવીને પ્રમુખ સ્થાનેથી ઠરાવને પસાર કરવામાં આવ્યો હતો. ખાટરીયા જુથના ૨૨ સભ્યોની બહુમતીથી આ ઠરાવ પસાર થયો હતો.
આ મામલે જિલ્લા વિકાસ અધિકારી રાણાવશીયાએ જણાવ્યું હતું કે, તેઓને વિકાસ કમિશનર દ્વારા સ્ટેનો આદેશ આપવામાં આવ્યો હતો જે આદેશ તેઓએ સભ્યો સમક્ષ રજુ કર્યો હતો. અર્જુનભાઈ ખાટરીયાએ આ અંગે કહ્યું કે, ચાલુ સભાએ ઠરાવ પર સ્ટે આપવો અયોગ્ય છે.જરૂર પડયે કોંગ્રેસ કોર્ટના દ્વાર પણ ખખડાવશે.