રાજયના ૪૨ નાયબ કલેકટરોની બદલી કરાઈ: તત્કાલ ચાર્જ છોડી દેવાનો આદેશ
રાજકોટના પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની સહિત રાજયભરના ૪૨ નાયબ કલેકટરોની ગઈકાલે સાંજે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીની બારડોલી ખાતે બદલી કરવામાં આવી છે. રાજય સરકારના મહેસુલ વિભાગે ગઈકાલે મોડી સાંજે ૪૨ નાયબ કલેકટરોની બદલી કરી છે. જેમાં રાજકોટ સિટી-૨ના પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીને સુરત જિલ્લાના બારડોલીમાં મુકવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છના ૯ સહિત કુલ ૪૨ નાયબ કલેકટરોની બદલી કરવામાં આવી છે. લોકસભાની ચુંટણી સંદર્ભે નાયબ જિલ્લા ચુંટણી અધિકારીની જગ્યાઓ ભરવા માટે આ બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ સિટી-૨ પ્રાંત અધિકારી તરીકે જાનીની જગ્યાએ પાટણ જિલ્લાના સિઘ્ધપુર ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા જે.કે.જેગોડાને મુકવામાં આવ્યા છે. વી.પી.પટનીને અમદાવાદથી વઢવાણ, એન.એ.રાજપુતને વઢવાણથી નવસારી, હેતલ જોશીને જુનાગઢથી ધ્રોલ, જે.તુવારને મહુવાથી સિઘ્ધપુર, વી.જે.ચૌહાણને ચોટીલાથી પોરબંદર, વી.એન.ખેરને ગીર-સોમનાથથી બોટાદ પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. રાજય સરકારે બદલી કરેલા આ પ્રાંત અધિકારીઓને તત્કાલ ચાર્જ છોડી દેવા અને જોઈનીંગ સમય પણ નહીં ભોગવવા તેમજ નવી જગ્યાએ તત્કાલ હાજર થઈ જવાની સુચના આપી છે.