ચીન સહિતના દેશો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના ઓઠા હેઠળ ભારતમાં બહોળા પ્રમાણમાં સ્ટીલ ઘુસાડી સ્થાનિક ઉદ્યોગને મરણતોલ ફટકો આપતુ હોવાથી દેકારો
ચીન સહિતના કેટલાક દેશો ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના ઓઠા હેઠળ બેફામ પ્રમાણમાં સ્ટીલ ઠાલવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ચીનથી સસ્તા દરે ભારતમાં આવતું સ્ટીલ સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ માટે મુંઝવણ બન્ને છે. સસ્તા દરના કારણે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને મરણતોલ માર પડી રહ્યો છે.
સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને ચીન સહિતના દેશોથી ઠલવાતા સ્ટીલથી બચાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વના નિર્ણયો લીધા હતા. એન્ટી ડમ્પીંગ ડયૂટી થોપવામાં આવી હતી. કવોલીટી અંગે નવા ધારા ધોરણો બનાવાયા હતા. છતાં પણ સ્થાનિક સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ વિદેશી સ્ટીલથી મુંઝારો અનુભવી રહી છે. સરકારના નિર્ણયોના કારણે ૨૦ ટકા ઈમ્પોર્ટ ઘટી હોવાનો દાવો પણ થઈ રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, માત્ર ચીન જ નહીં પરંતુ જાપાન અને કોરીયા જેવા દેશ પણ ભારતીય સ્ટીલ બજારમાં પગદંડો જમાવવા માંગે છે. ભારત અને વિશ્વના અનેક દેશો વચ્ચે ફી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ વ્યાપાર વિનીમય થાય છે. ભારતમાંથી બહોળા પ્રમાણમાં માલની આયાત થાય છે. તેવી રીતે જ નિકાસ પણ થતી હોય છે. ત્યારે સ્ટીલ જેવા ક્ષેત્રમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સ્થાનિક ઉદ્યોગો માટે જોખમી બની રહ્યાં છે.
સ્ટીલ ક્ષેત્રની સ્થાનિક કંપનીઓ ઉપર આર્થિક ભીંસ વધવાને કારણે રોજગારી છીનવાઈ રહી છે. ગત વર્ષે ભારતમાં ૮૦૦ થી ૧૦૦૦ ટન સ્ટીલ વિદેશથી ઠલવાયું હતું જયારે આ વર્ષે જાન્યુઆરીથી મે સુધીમાં જ ૬ હજાર ટન સ્ટીલ ભારતીય બજારમાં ઘુસાડી દેવામાં આવ્યું છે. ભારતે ચીનના સ્ટીલ ઉપર ૧૮.૯ ટકા એન્ટીડમ્પીંગ ડયૂટી નાખી છે જેનાથી ચીનથી સીધુ ભારતમાં આવતા સ્ટીલ ઓછુ થયું છે જો કે હવે ભારતની બજારમાં સ્ટીલનો મોટો જથ્થો ઘુસાડવા ચીને ઈન્ડોનેશીયાનો રસ્તો પકડયો છે.
ચીન હવે સીધુ ભારત નહીં પરંતુ પહેલા ઈન્ડોનેશીયા સ્ટીલ મોકલે છે.
ઈન્ડોનેશીયા અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે પરિણામે ઈન્ડોનેશીયામાં ચીને મોકલાવેલુ સ્ટીલ ભારતમાં ઠાલવવામાં આવે છે. એકંદરે ભારતના પ્રયાસો છતાં પણ ભારતીય બજારમાં વિદેશથી ઠાલવવામાં આવતું સ્ટીલ રોકી શકાતું નથી.