રીક્ષાચાલક પિતાએ રૂ.૧.૩૦ લાખના રૂ.૨ લાખ ચુકવ્યા છતા દરરોજ રૂ.૩૦૦ પડાવી ધમકી દેતા તરૂણીએ બ્લેડથી ગળુ કાપવા પ્રયાસ કર્યો
ભીસ્તીવાડના રિક્ષાચાલકે મુસ્લિમ મહિલા પાસેથી રૂ.૧.૩૦ લાખ વ્યાજે લીધા બાદ રૂ.૨ લાખ ચુકવી દીધા હોવા છતાં ઘરે આવી ખુન કરી નાખવાની દીધેલી ધમકીના કારણે ડરી ગયેલી રીક્ષા ચાલકની પુત્રીએ પોતાની જાતે જ ગળા પર બ્લેડના કાપા મારી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસમાં નોંધાયું છે. ગંભીર રીતે ઘવાયેલી તરૂણીને લોહી-લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભીસ્તીવાડમાં રહેતી અને ધોરણ ૧૨ પાસ કરી પરિવારને મદદરૂપ થવા આઈડોલ કંપનીમાં નોકરી કરતી ફલક રહીમભાઈ પઠાણ નામની ૧૭ વર્ષની તરૂણીએ પોતાના ઘરે પોતાની જાતે જ બ્લેડથી ગળા અને હાથ પર કાપા મારી દેતા ગંભીર રીતે ઘવાતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
આ અંગે રહીમભાઈની કરાયેલી પુછપરછમાં તેઓએ બે વર્ષ પહેલા પોતાના જ વિસ્તારમાં રહેતી અને વ્યાજવટાવનો ધંધો કરતી નામચીન મહિલાકસાના જુણેજા પાસેથી રૂ.૧.૩૦ લાખ સંતાનોની સ્કુલ ફી ચુકવવા વ્યાજે લીધા હતા તે પેટે રૂ.૨ લાખ ચુકવી દીધા હોવા છતાં ધાક-ધમકી દઈ દરરોજ રૂ.૩૦૦ વ્યાજ પેટે વસુલ કરતી હતી.
ા.૩૦૦ છેલ્લા ચારેક દિવસથી ચુકવી ન શકતા ગઈકાલે કસાના જુણેજા ઘર આવી રૂ.૧૦૦૦ની ઉઘરાણી કરી માથાકુટ કરી ન થવાનું કરવાની તેમજ ખુન કરી નાખવાની ધમકી દીધી હતી.
કસાના જતા જતા સવારે ફરી આવશે અને રૂ.૧૦૦૦ તૈયાર રાખવા ધમકી દીધી હોવાથી રહીમભાઈ પઠાણ ા.૧૦૦૦ની વ્યવસ્થા કરવા માટે સવારથી જ રીક્ષા લઈને ધંધો કરવા જતા રહ્યા હતા. દરમિયાન ફલકે પોતાના પિતાને ફોન કરી રૂ. ૧૦૦૦ની વ્યવસ્થા અંગે પુછપરછ કરતા તેઓએ હજી સુધી માંડ રૂ.૧૦૦નો જ ધંધો થયાનું જણાવતા ફલક પઠાણ કસાનાની ધમકીના કારણે ડરી ગઈ હોવાથી બ્લેડથી ગળુ કાપવા પ્રયાસ કર્યાનું રહિમભાઈ પઠાણે જણાવ્યું હતું. તેમજ કસાનાને દર મહિને વ્યાજ ચુકવવા અન્ય વ્યાજના ધંધાર્થીઓ પાસેથી વ્યાજે પૈસા લેવા પડયા હોવાનું કહ્યું હતું.
રહિમભાઈના પત્ની યાસ્મીનબેન પોતાની પુત્રી ફલકને ઉઠાડવા ગયા ત્યારે તેણે લોહી-લુહાણ હાલતમાં તરફડિયા મારતી હોવાથી તેઓ અવાચક બની ગયા હતા. બુમા-બુમ કરતા આડોશ-પાડોશની મદદથી ફલકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જયાં તેણીની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.