સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ 10 મીટર એર રાયફલ શૂટિંગમાં 27 કોલેજના 67 યુવક -યુવતીઓએ ભાગ લીધો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ સ્પોર્ટ્સ સ્પર્ધા ચાલી રહી છે. જેમાં આજે જય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આંતરકોલેજ 10 મિટર એર રાયફલ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 27 કોલેજના 67 યુવક -યુવતીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા પૂર્વે કાર્યકમ યોજાયો હતો જેમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટ ડી. વી.મહેતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રૉ.પ્રતાપસિંહ ચૌહાણ, સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણી, ડો.હરદેવસિંહ જાડેજા, ડો.ધરમ કામબલિયા તેમજ ટુર્નામેન્ટના આયોજક રાજદીપસિંહ જાડેજા સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર ડી.વી.મહેતાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ એર રાઈફલ શુટિંગ સ્પર્ધા જય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાઇ હતી ખાસ તો આ સ્પર્ધા સતત બીજા વર્ષે આ સ્કૂલમાં યોજાઇ છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના યુવક અને યુવતીએ ભાગ લીધો છે વખેલાડીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
રાઈફલ શુટિંગ સ્પર્ધાના આયોજક રાજદીપસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ દ્વારા સતત બીજા વર્ષે એર રાયફલ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ગત વર્ષે 40 જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે તે સંખ્યા બમણી થઈ છે. હું જય ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર ડી.વી.મેહતાનો આભારી છું. ખેલાડીઓને તમામ પ્રકારની સુવિધા મળે તેવું આયોજન કરાયું છે. અને આમાંથી વિજેતા પ્રથમ ત્રણ ખેલાડીઓને રાજ્યકક્ષાની એર રાયફલ શુટિંગમાં રમવા માટે મોકલાશે.
એર રાયફલ શૂટિંગના સ્પર્ધક રાઠોડ રાજુએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે , હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇકોનોમિક ભવનમાં અભ્યાસ કરું છું. આજે રાયફલ શૂટિંગમાં હું વિજેતા બનીશ તેવો મને વિશ્વાસ છે. છેલ્લા 2 વર્ષથી હું એર રાયફલ શૂટિંગની પ્રેકટીસ કરું છું. આગળ ભવિષ્યમાં મારે એર રાયફલ શૂટિંગમાં દેશનું નામ રોશન કરવું છે.
એર રાયફલ શૂટિંગના બીજા સ્પર્ધક ભીમાણી ભરતએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું હરિવંદના કૉલેજમાં અભ્યાસ કરું છું. એર રાયફલ શુટિંગમાં સતત બીજા વર્ષે ભાગ લીધો છે. ગત વર્ષે મારો બીજો નંબર આવ્યો હતો. આ વર્ષે હું ચેમ્પિયન બનું તેવો વિશ્વાસ છે. અગાઉ પંજાબ ખાતે યોજાયેલ એર રાયફલ શૂટિંગની નેશનલ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.