હોસ્પિટલમાંથી ગર્ભપાતના સાધનો, ઈન્જેકશન અને દવાનો જથ્થો મળ્યો: ગર્ભપાત કરાવાતો હોવાની પૂછપરછ
ચોટીલામાં મણીરત્ન હોસ્પિટલમાં અનઅધિકૃત રીતે ગર્ભ પરિક્ષણ કરતી મહિલા સહિત ચારની ધરપકડ કરી પોલીસે મહિલા સહિત બે શખ્સોને ચાર દિવસના રિમાન્ડ પર લીધા બાદ કરાયેલી પુછપરછમાં ચોટીલાનો ઉમેદ પ્યારઅલી ગીલાણી નામના શખ્સની સંડોવણી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં ૪૦ જેટલા મહિલાઓનું ગેરકાયદે ભૃણ પરિક્ષણ કર્યાની કબુલાત આપી છે તે પૈકી કેટલી મહિલાઓનો ગર્ભપાત કરાયો તે અંગેની પુછપરછ હાથ ધરાઈ છે.
જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાની મળેલી બાતમીના આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ક્રાઈમ બ્રાંચ અને આરોગ્ય વિભાગની ટીમ બનાવી પોર્ટેબલ અલ્ટ્રા સાઉન્ડ મશીનની મદદથી ગર્ભ પરિક્ષણના ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવી અને પીએસઆઈ એ.એસ.સોનારા સહિતના સ્ટાફે ક્રાઈમ બ્રાંચની મહિલા કોન્સ્ટેબલ મિતાલીબેન હિતેન્દ્રભાઈ ઠાકરને ડમી ગ્રાહક બનાવી ઓપરેશન પાર પાડયું હતું.
જામનગર રોડ પર આવેલ અવંતિકા પાર્કમાં રહેતા નિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સોલંકી નામનો શખ્સ ગર્ભ પરિક્ષણ માટે ગ્રાહકો શોધતો હોવાથી પોલીસે મિતાલીબેન ઠાકરને ગ્રાહક તરીકે મોકલી રૂ.૧૮૦૦૦માં ગર્ભ પરિક્ષણ કરી આપવાનું નકકી કર્યું હતું. નિતેન્દ્રસિંહ સોલંકીએ માલધારી સોસાયટી, મફતીયાપરામાં રહેતા મહેશ મનુ રાઠોડ નામના શખ્સનો સંપર્ક કરાવ્યો હતો.
મહેશ રાઠોડે પોતાની સ્કોર્પીઓ લઈ રૈયા ચોકડી પાસે મિતાલીબેનને બોલાવ્યા હતા. ત્યાં તેઓને સ્કોર્પીઓમાં બેસાડી ગાંધીગ્રામના દ્વારકેશ સોસાયટીમાં રહેતા રમાબેન મુળુભાઈ બડમલીયાની ચોટીલા હાઈવે પર રાજધાની હોટલ પાસેની મણીરત્ન હોસ્પિટલ ખાતે લઈ જવાના હતા તે દરમિયાન જ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે મહેશ રાઠોડને દબોચી લીધો હતો.
તેની પુછપરછ દરમિયાન ગર્ભ પરિક્ષણના ગોરખધંધામાં રમાબેન મુળુભાઈ બડમલીયા અને હરેશ ગોરધન કારીયા નામના શખ્સો સંડોવાયેલા હોવાની કબુલાત આપતા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરતા તેઓ ગર્ભ પરિક્ષણના રૂ.૧૮૦૦૦ થી રૂ.૨ લાખ સુધીનો ચાર્જ વસુલ કરતા હોવાની કબુલાત આપી હતી. તેમજ અતિ આધુનિક વાયરલેસ સોનોગ્રાફીની મદદથી મણીરત્ન હોસ્પિટલ ખાતે ગર્ભ પરિક્ષણ કરતા હોવાની કબુલાત આપી છે. આ ચારેય શખ્સે કેટલા સમયથી ગર્ભ પરિક્ષણનો ગોરખધંધો ચલાવી રહ્યાં છે તે અંગેની વિગતો મેળવવા રમા મુળુ બડમલીયા અને નીતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સોલંકીને પોલીસે ચાર દિવસના રિમાન્ડ પર મેળવી કરાયેલી પુછપરછમાં ચોટીલાની મણીરત્ન હોસ્પિટલમાં ઉમેદ પ્યારઅલી ગીલાણીની મદદથી અત્યાર સુધીમાં ૪૦ જેટલી મહિલાઓનું ભૃણ પરિક્ષણ કર્યાની કબુલાત આપતા પોલીસે રૈયારોડ પર આવેલ નહેરૂનગર શેરી નં-૫માં રહેતા ઉમેદ પ્યારઅલી ગીલાણીની ડીસીપીના પીએસઆઈ વી.જે.જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી કેટલી મહિલાઓનો ગર્ભપાત કરાયો તે અંગેની પુછપરછ હાથ ધરાઈ છે.