બેંકોની આગેવાનીમાં તેજી તરફી ચાલ: ૧ મહિનામાં ૯મી વખત સર્વોચ્ચ સપાટી નોંધાવી
વૈશ્વીક શેરબજારના સકારાત્મક સંકેતોના પગલે આજે ભારતીય શેરબજાર ૪૭૦ પોઈન્ટના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું છે. બેંકોની આગેવાનીમાં ત્તેજી તરફી ચાલ જણાય રહી છે. છેલ્લા એક મહિનામાં શેરબજારે ૯મી વખત સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.
આજે અઢી વાગ્યે શેરબજાર ૪૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. નિફટી ફીફટીમાં ૧૩૨.૮૦ પોઈન્ટ તેમજ સ્મોલ કેપમાં ૬૧.૭૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મિડકેપ ૨૪૩.૧૦ સાથે આગળ ચાલી રહ્યું છે. બેંકોની આગેવાનીમાં શેરબજારમાં ત્તેજી તરફની ચાલ જોવા મળી રહી હોવાનું જાણવા મળે છે. વૈશ્વીક રાહે શેરબજાર વધુ ત્તેજીમય રહ્યું છે. શુક્રવારે વોલ સ્ટ્રીટ વધીને બંધ રહ્યાં બાદ સોમવારે સવારથી જ એશિયાના બજારો મજબૂતાઈ સાથે ખુલ્યા હતા.
ફૂગાવો હળવો થયો હોવાથી રેટ વધવાની શકયતા ઘટી ગઈ છે જેના કારણે જાહેરક્ષેત્રની બેંકોને સીધો ફાયદો થયો છે. આ લખાય છે ત્યારે એસબીઆઈ ૨.૯૫ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૨.૭૭ ટકા, યશ બેંક ૨.૦૨ ટકા, કોટક મહિન્દ્રા ૧.૬૩ ટકા સાથેની આગેવાનીમાં શેરબજાર આગળ વધી રહ્યું છે.