હેમુગઢવી નાટય ગૃહમાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ અને મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ; નાયબ કલેકટર, મામલતદારો પણ રહેશે હાજર
આગામી તા.૬ નવેમ્બરના રોજ રાજકોટ ખાતે રાજયના મહેસુલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લા કલેકટરો, નાયબ કલેકટરો, પ્રાંત અધિકારી,ચિટનીશ અને મામલતદારો માટે ઓનલાઈન બીનખેતી તેમજ ડિજીટલાઈઝેશન સંદર્ભે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ તેમજ મહેસુલ અગ્રસચિવ ખાસ ઉપસ્થિત રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં ડિજીટલાઈઝેશન પ્રક્રિયા હાથ ધરી બિનખેતીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન બનાવી દીધી છે. આ ઉપરાંત મહેસુલી રેકોર્ડનો ડેટાબેઈઝ તૈયાર કરવો, એફએમપીએસ એટલે કે ફાઈલ મેનેજમેન્ટ પ્રોસેસ સીસ્ટમ, વેબભુલેખ, કલેકટર પોર્ટલ અને મહેસુલી કેસોનો ડેટાબેઈઝ તૈયાર કરવા સહિતની બાબતો અંગે જિલ્લા કલેકટરથી લઈ મામલતદાર સુધિના અધિકારીઓને ડિજીટલાઈઝેનના પાઠ ભણાવવા માટે રાજકોટ ખાતે ખાસ વર્કશોપ યોજવામાં આવશે.
વધુમાં હેમુગઢવી નાટય ગૃહ ખાતે યોજાનારા આ મહેસુલી ડેટાબેઈઝ વર્કશોપમાં રાજકોટ જિલ્લાના યજમાન સ્થાને મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીરસોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, પોરબંદર અને કચ્છ જિલ્લાના જિલ્લા કલેકટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, ચિટનીશ અને મામલતદાર સહિતના ૩૦૦ થી ૪૦૦ અધિકારીઓ હાજર રહેશે. સવારે ૧૦ વાગ્યાથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થયા બાદ બપારે ૨ વાગ્યા સુધી આ સેમીનાર ચાલુ રહેશે.
આ સેમીનારમાં રાજયના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, મહેસુલ વિભાગન સેક્રેટરી પંકજ કુમાર, આરઆઈસી હારિત શુકલ, એનઆઈસીના કિરણ શાહ અને અમિત શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહી તમામ મહેસુલી અધિકારીઓને સરકારના ડિજીટલાઈઝેશન પ્રક્રિયાની વિગતવાર મુદ્દા વાઈઝ છણાવટ કરશે.