આજે કલેકટર કચેરીમાં ફરસાણનાં વેપારીઓની ભાવ બાંધણા બેઠક: ઉંચા ભાવ લેનાર વેપારીઓને દંડવા તખ્તો ઘડાશે
રાજકોટમાં ફાટીને ધુમાડે ગયેલા ફરસાણના વેપારીઓને કાબુમાં લેવા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના આદેશ હેઠળ આજે પુરવઠા વિભાગે તહેવાર ટાંકણે ભાવ બાંધણાની બેઠક બોલાવી છે. આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી જોષીએ જણાવ્યું હતું કે, તમામ ફરસાણના વેપારીઓને ૧૦૦ થી ૧૨૦ રૂપિયા કિલોના ભાવે ફરસાણ વેંચવા તાકીદ કરાશે. જો ફરસાણના વેપારીઓ ભાવ બાંધણાનો અમલ નહીં કરે તો ફૂડ એન્ડ ડ્રગ, તોલમાપ અને પુરવઠા તંત્ર સંયુકત દરોડાની કાર્યવાહી કરનાર હોવાના સંકેતો પણ અપાયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ સમગ્ર રાજયમાં સૌથી ઉંચા ફરસાણના ભાવ રાજકોટમાં વસુલાઈ રહ્યાં છે. રાજકોટના ફરસાણના વેપારીઓ દ્વારા ગરમા-ગરમ ફાંફડા, વણેલા ગાંઠીયાના પ્રતિ કિલોના રૂ.૩૦૦ થી ૪૦૦ ભાવ વસુલાઈ રહ્યાં છે ત્યારે સાતમ-આઠમના તહેવારોમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે તેવા આશ્રયથી જિલ્લા કલેકટરના આદેશ અન્વયે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા શહેરના ફરસાણના વેપારી એસોશીએશનને કહેણ મોકલી આજે ભાવ બાંધણાની બેઠકમાં હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે.
આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી જોષીએ જણાવ્યું હતું કે, ચણાના લોટ અને તેલના ભાવ જોતા તમામ વેપારીઓને પ્રતિ કિલો ફરસાણ રૂ.૧૦૦ થી ૧૨૦ના ભાવે વેંચવા સમજાવવામાં આવશે જો આ છતાં ફરસાણના વેપારીઓ ભાવ બાંધણુ કરવા સહમત નહીં થાય તો પુરવઠા તંત્ર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ અને તોલમાપ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરવા પણ પાછીપાની નહીં કરવામાં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.
આજની ભાવ બાંધણાની બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ, તોલમાન વિભાગ ઉપરાંત ગ્રાહક સુરક્ષા વિભાગ પણ હાજર રહેનાર છે. જો કે, આજની બેઠકમાં મોટાગજાના ૨૫ થી ૩૦ વેપારીઓ અને એસો.ના હોદ્દેદારોને આમંત્રીત કરવામાં આવ્યા છે ત્યારે આ બેઠક બાદ વેપારીઓ કેવો રૂખ અપનાવે છે તે જોવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના મોટાભાગના ફરસાણના વેપારીઓ કયાં તેલમાં ફરસાણ બનાવે છે અને ફરસાણનો ભાવ કેટલો છે તેવું બોર્ડ રાખવું ફરજીયાત હોવા છતાં આ નિયમનો અમલ કરતા નથી. આ ઉપરાંત એકનું એક તેલ વારંવાર ઉપયોગ કરી સરકારના નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરી મોટાપાયે ટેકસ ચોરી પણ કરતા હોય જો ભાવ બાંધણામાં વેપારીઓ સહમત નહીં થાય તો આવનારા દિવસોમાં તંત્ર કાયદાનું શસ્ત્ર ઉગામે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.