લોકમેળા સમિતિને લોકમેળાના આયોજન થકી કરોડોનો નફો છતાં સહેલાણીઓ અને ધંધાર્થીઓ માટે સુવિધાઓ આપવામાં પાછીપાની
લોકમેળાના ગ્રાઉન્ડમાં ગારા-કીચડના પગલે ધંધાર્થીઓમાં રોષ
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૧લી સપ્ટેમ્બરથી ગોરસ લોકમેળો યોજાય તે પૂર્વે જ લોકમેળાનું ગ્રાઉન્ડ ગારા-કીચડથી ખદબદી ઉઠતા લોકમેળાના સ્ટોલ ધારકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ લોકમેળા સમીતી દ્વારા દર વર્ષે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જન્માષ્ટમી પર્વ નીમીતે પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન થકી તંત્રને દર વર્ષે કરોડોની કમાણી થાય છે પરંતુ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં લેવાતી ન હોય છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા ધીમીધારના વરસાદને કારણે લોકમેળાના ગ્રાઉન્ડમાં ગારા-કીચડનું સામ્રાજય છવાયું છે.વધુમાં આગામી જન્માષ્ટમી પર્વે જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જો લોકમેળા સમીતીએ આગમચેતીના પગલા લઈ લોકમેળામાં ભરાતા પાણીનો નિકાલ કરવા ઉપરાંત જયાં જયાં ગારા-કીચડ છે તેવી જગ્યાએ ગ્રીટ નાખવામાં નહીં આવે તો લોકમેળામાં આવનારા સહેલાણીઓ અને ધંધાર્થીઓની હાલત દયનીય બને તેમ હોવાનું સૂત્રો ઉમેરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, લોકમેળા ગ્રાઉન્ડમાં અત્યારથી જ ગારા-કીચડનું સામ્રાજય છવાતા ધંધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આવા માહોલમાં સ્ટોલ, યાંત્રિક આઈટમોની આગોતરી તૈયારી કેમ કરવી તેવા સવાલો ઉઠાવી જો સત્વરે ગારા-કીચડની સફાઈ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વ્યકત કરવામાં આવી હતી.