આઈ.પી.એલ.ના સટ્ટામાં પકડાયેલા શખ્સોને જયુડીશ્યલ કોર્ટે બે-બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો
શહેરમાં રહેતા કિશોરભાઈ મુળુભાઈ વાળા તેમના મિત્રો સાથે સને ૨૦૧૪માં આઈપીએલના ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા મેચમાં જુગાર રમતા ગાંધીગ્રામ પોલીસે પકડેલા અને જુગારધારાની કલમ ૪,૫ અન્વયે ફરિયાદ નોંધી અને તમામ આરોપીઓ વિરુઘ્ધ ચાર્જશીટ કરેલી.આ કેસ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.આર.રાજપુત કેસ કાર્યવાહીના અંતે તા.૩૦/૧૧/૨૦૧૭ના રોજ આરોપીઓને કસુરવાર ઠેરવી અને બે વર્ષની સજા તેમજ તમામ આરોપીઓને ૨ હજારનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા કરતો હુકમ ફરમાવેલો છે. કોર્ટના આ ચુકાદા સામે આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરેલી.
આ કેસમાં આરોપીઓ તરફે સેશન્સ કોર્ટમાં રજુઆતો કરવામાં આવેલી જેમાં મુખ્યત્વે હાલના કેસમાં જુગારને લગતી કોઈ જ સાધન સામગ્રી કબજે કરવામાં આવેલી ન હોય, આરોપીઓને સજા કરેલી હોય તેવી દલીલ કરી અને સર્વોચ્ચ અદાલત તેમજ વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલા. આરોપીના એડવોકેટની તમામ રજુઆતોને કોર્ટે માન્ય રાખી નીચેની કોર્ટનો હુકમ રદ કરી તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવતો હુકમ કરેલો છે અને નીચેની કોર્ટે કરેલ દંડની રકમ પણ પરત આપવાનો હુકમ ફરમાવેલો છે. આ અતિ મહત્વના ચુકાદામાં આરોપીઓ તરફે વકીલ પિયુષ કારીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા તથા મોહિત લિંબાસીયા રોકાયેલા હતા.