વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજીત સ્પર્ધાના વિજેતાઓને ઈનામો અપાયા
રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપક્રમે આત્મીય કોલેજના સભાખંડ ખાતે ગોપી કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરીમાં ૧૦ સુધીના અનેક બાળકોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. વિશ્ર્વ હિન્દુ પરીષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તથા દુર્ગાવાહીની દ્વારા સંયુક ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતુ. કાર્યક્રમના ક્ધવીનર રમાબેન હેરભા દ્વારા કરાયેલા આ આયોજનમાં બાળકોએ શ્રીકૃષ્ણ અને ગોપીના રૂપ અને વેશભુષા ધારણ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ગણેશ વંદના કરાઈ હતી આ તકે હાજર તમામ મહાનુભાવોને બાળકોએ કુમકુમ તિલક દ્વારા આવકાર્યા હતા. કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય તેમજ સમિતિના શાંતુભાઈ રૂપારેલીયા, વલ્લભભાઈ દુધાત્રા, સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, ગત વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલ રંગપૂર્ણિ હરીફાઈ જેનું સેન્ટ ગાર્ગી સ્કુલ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં મોટી સંખ્યામાં ભુલકાઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધાનાં વિજેતા બાળકોને પણ ઈનામથી નવાજવામાં આવ્યા હતા અને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ સાથે ગોપી કિશન સ્પર્ધામાં કાર્યક્રમ સ્થળ જાણે ગોકુળીયુ ગામ બની ગયું હોય એવો અદભૂત માહોલ સર્જાયો હતો.
સ્પર્ધાનાં અલગ અલગ વિજેતાઓને રોકડ પુરસ્કાર, શિલ્ડ અને ઈનામો આપી નવાજવામાં આવ્યા હતા. સુરેશભાઈ કણસાગરા દ્વારા વિજેતા બાળકો તથા તેના વાલીઓને ક્રિશ્ર્ના પાર્કના ફ્રી પાસ આપવામાં આવ્યા હતા.