સામાન્ય સભા અને કારોબારી બેઠક બંને ૩૧મીએ: રાજકીય દબાણથી સામાન્ય સભા પૂર્વે કારોબારી બેઠકની દરખાસ્ત મંજુર કરાઈ હોવાની ચર્ચા
સાવચેતીના ભાગરૂપે પ્રથમ વખત કારોબારી બેઠકનો સંપૂર્ણ એજન્ડા બહાર પડાયો
જિલ્લા પંચાયતમાં રચાયેલા બાગી જુથમાં સતાની સાઠમારીના કારણે અનેક સભ્યોમાં અસંતોષ પ્રવર્તયો છે. આ સભ્યો દ્વારા ઘરવાપસીની તૈયારી કરવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.હાલ ખાટરીયા જુથ પાસે ૨૧ સભ્યોની બહુમતી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના ટેકાથી રચાયેલા બાગી જુથમાં સમિતિઓના પદ ન મળતા અનેક સભ્યોમાં અસંતોષ દેખાઈ રહ્યો છે. આ અસંતુષ્ટો ખાટરીયા જુથના શરણે જવાની તૈયારીઓ કરી રહ્યા હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. અર્જુનભાઈ ખાટરીયા પાસે ૧૩ ટેકેદારો હતા તેમાં બાગી જુથના ૮ સભ્યો જોડાવવાની તૈયારી કરી રહ્યા છે. આ તમામ સભ્યોને અજ્ઞાતવાસમાં ધકેલી દેવામાં આવ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
વધુમાં ખાટરીયા જુથે ૩૧મીએ સામાન્ય સભા યોજવાની જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ દરખાસ્ત મુકી હતી. આ દરખાસ્ત મંજુર પણ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કારોબારી સમિતિની બેઠકની દરખાસ્ત રાજકીય દબાણ સાથે મુકવામાં આવતા તેને પણ મંજુરીની મહોર મારી દેવામાં આવી હતી.
કારોબારીની આ બેઠક ૩૧મીએ સામાન્ય સભા પૂર્વે યોજવામાં આવનાર છે. વધુમાં આ વખતેની કારોબારી સમિતિની બેઠકમાં પ્રથમ વખત સંપૂર્ણ એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે જેથી બેઠક દરમિયાન કોઈ વાદ-વિવાદ સર્જાય નહીં.અર્જુનભાઈ ખાટરીયાના જુથ પાસે ૧૩ સભ્યો હતા. ૩૬ સભ્યો પૈકી ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટોની ગત સામાન્યસભામાં સંખ્યા ૨૨ હતી.
કાયદા મુજબ તૃત્યાંશ બહુમતીથી પ્રમુખ સામે અવિશ્વાસ લાવી શકાય છે પરંતુ ભાજપ પ્રેરીત બાગીજુથે કારોબારી, બાંધકામ સહિતની પાંચ સમિતિ પર કબજો લીધો હતો. આ અસંતુષ્ટોમાં સતાની સાઠમારીના કારણે ફરી અસંતોષ પ્રવર્તયો હોવાથી તેઓએ અર્જુનભાઈ ખાટરીયાનો હાથ પકડયો હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અસંતુષ્ટોની ઘરવાપસી બાદ બાગીજુથના કબજાની કારોબારી સમીતીને તોડી પાડવામાં આવનાર છે.બાદમાં કોંગ્રેસના વફાદાર ગણાતા સભ્યોમાંથી કોઈ એકને કારોબારીના પ્રમુખ તરીકે નિયુકત કરવામાં આવશે.