કાર્પેટ એરિયાથી લોકોને ફાયદો: ૪૦ હજાર કરદાતાઓ વઘ્યા: ૧૧૯ કરોડની આવક
મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા આ વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજના આગામી ૩૧મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે વેરા વળતર યોજનાના છેલ્લા અઠવાડિયામાં શકય તેટલા વધુ કરદાતાઓને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. કાર્પેટ એરિયાથી શહેરીજનોને સીધો ફાયદો થયો છે. ગત વર્ષની સરખામણીએ ૪૦ હજાર કરદાતાઓ વઘ્યા છે. ટેકસ પેટે આજસુધીમાં ૧૧૯ કરોડની આવક થવા પામી છે.
ગત એપ્રિલ માસથી મહાપાલિકા દ્વારા એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વેરામાં ૧૦ ટકા રીબેટ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો બે વખત મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આગામી ૩૧મી ઓગસ્ટના રોજ આ યોજના પૂર્ણ થઈ રહી છે. આજસુધીમાં કુલ ૨,૨૬,૩૯૭ કરદાતાઓએ એડવાન્સ ટેકસ પેટે રૂ.૧૧૯ કરોડ કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવી દીધા છે. ચાલુ નાણાકીય વર્ષથી વેરાની આકારણીમાં કાર્પેટ એરિયાની અમલવારી કરવામાં આવી છે. જેનાથી લોકોને સીધો ફાયદો થયો છે. એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓની સંખ્યામાં ૪૦ હજારનો વધારો નોંધાયો છે. ૩૧મી ઓગસ્ટ સુધી વેરો ભરનાર કરદાતાઓને વેરામાં ૧૦ ટકા અને મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં વિશેષ પાંચ ટકા સાથે કુલ ૧૫ ટકા વળતર મળશે ત્યારે સપ્ટેમ્બર માસમાં આ વળતર અનુક્રમે ૫ અને ૧૦ ટકા થઈ જશે.