માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી અમલીકરણ સમિતિમાં રાજકોટ સહીત રાજ્યભરમાં યોજાનારા અનેક કાર્યક્રમો અંગે વિચાર વિમર્શ થયો
હાઈલાઈટ્સ
· ગાંધીજીના આદર્શો, મૂલ્યો, વિચારોનો બાળકોમાં પ્રચારપ્રસર.
· ગાંધી જયંતીએ સવારે પ્રાર્થના સભા અને સફાઈ અભિયાન તથા સાંજે પુ. ગાંધી બાપુને પ્રિય ગીતો-ભજનનો કાર્યક્રમ.
· ૨-ઓક્ટોબર, ૨૦૨૦ સુધીના બે વર્ષોના કાર્યક્રમો ઘડાશે.
· આલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે ગાંધીજીના આચાર-વિચારોથી સમાજ પ્રેરિત થાય તેવા એક વર્ષ સુધીના કાર્યક્રમો થશે.
· વક્ર્તુત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા પણ યોજાશે.
રાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી અનુસંધાને ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી અમલીકરણ સમિતિની બેઠકમાં આગામી બે વર્ષ સુધી રાજ્યભરમાં આયોજીત થનારા શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં રાજકોટ ખાતે પણ યોજાનારા અનેકવિધ પ્રોગ્રામ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો, તેમ માન. મેયરશ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મેયરશ્રી અને કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ૨ – ઓક્ટોબર, ૨૦૧૮ થી ૨ – ઓક્ટોબર, ૨૦૨૦ સુધીના બે વર્ષના સમયગાળા દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશે અને આ કાર્યક્રમોના કેલેન્ડરને ટૂંક સમયમાં જ આખરી ઓપ આઓઅવામાં આવશે. પુ. ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી માટેના મુખ્ય આશય ગાંધીજીના સિધ્ધાંતો, મૂલ્યો, આચાર-વિચારોથી સમગ્ર સમાજ- ખાસ કરીને યુવા વર્ગને વાકેફ કરી ઉમદા નાગરિક બનવા પ્રેરણા મળી રહે તે છે.
તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે, ૨ – ઓક્ટોબર, ૨૦૧૮ પહેલા “સ્વચ્છતા પખવાડિયું”(૧૫ થી ૩૦ સપ્ટેમ્બર સુધી) યોજવામાં આવશે. જયારે ગાંધી જયંતીના દિવસે સવારે પ્રાર્થના સભા યોજાશે અને ત્યારબાદ સધન સફાઈ ઝુંબેશ યોજવામાં આવશે; અને તેમાં જનસહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવશે. જયારે આ દિવસોમાં દિવસે સાંજે પુ. ગાંધી બાપુને અત્યંત પ્રિય એવા ગીતો અને ભજનનો કાર્યક્રમ પણ યોજાશે. જેમાં ખ્યાતનામ કલાકારો ભાગ લેશે. આ દિવસે શહેરના તમામ વોર્ડમાં જન ભાગીદારી સાથે સામુહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
પુ. ગાંધી બાપુએ જ્યાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફેડ હાઈસ્કુલ ખાતે આગામી એક વર્ષ દરમ્યાન ગાંધીજીના વિચારો, મૂલ્યો અને સિદ્ધાંતોના પ્રચારપ્રસાર થાકી યુવા સમુદાયને પ્રેરણા આપવા માટે શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન ઘડી કાઢવામાં આવશે તેમ માન. મેયરશ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
તેમને વધુમાં ઉમેર્યું હતું કે, આગામી બે વર્ષ દરમ્યાન ગાંધી મૂલ્યો અને સિદ્ધાંતોની થીમ પર આધારિત વિવિધ વિષયો જેવા કે સ્વછતા, અહિંસા, પ્રાર્થના, સામાજિક સમરસતા કેળવણી, સાક્ષરતા, છેવાડાના માનવીના ઉદ્યાન વગેરેને કેન્દ્રમાં રાખી એક એક મહિનાના કાર્યક્રમને આખરી ઓપ આપશે. પરમ પૂજ્ય ગાંધી બાપુની ૧૫૦મી જન્મજયંતીની અભૂતપૂર્વ ઉજવણીનું મહા આયોજના માત્ર એક ઉજવણી ના બની રહેતા વિરાટ સામાજિક-વૈચારિક પરિવર્તનનો પાયો બની રહે તે મુખ્ય ઉદ્દેશ છે.