પ્લમ્બીંગ કે કારપેન્ટરી જેવા કૌશલ્ય થકી બેરોજગારીનો પ્રશ્ર્ન ઉકેલવા કેન્દ્ર સરકારની મથામણ
વિકાસશીલ અર્થતંત્ર માટે સૌથી મોટો પ્રશ્ર્ન બેરોજગારી હોય છે. ભારત જેવા યુવા દેશમાં બેરોજગારીનો પ્રશ્ર્ન ઉકેલવા માટે કેન્દ્ર સરકાર ખૂબજ પ્રયત્નશીલ છે. સ્કીલ ડેવલોપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપને પ્રોત્સાહન આપી સરકાર વધુને વધુ રોજગારી આપવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે પ્લમ્બીંગ કે કારપેન્ટરી બ્યુટીશ્યન જેવા પરંપરાગત કૌશલ્યથી બેરોજગારી હટાવવાનું આયોજન ઘડી કઢાયું છે.
ભારતમાં હાલ ૬૦ ટકા વસ્તી વર્કિંગ એજ એટલે કે ૧૫ થી ૫૯ વર્ષની છે. છતાં પણ બેરોજગારીના કારણે વિકાસમાં પથ પર રોડા આવે છે. સરકાર તમામને સરકારી નોકરી પુરી કરી શકે નહીં, નોકરી સીવાય સ્વરોજગારીથી પણ બેરોજગારીનો પ્રશ્ર્ન ઉકેલી શકાય છે. નાના-નાના વ્યવસાય, બિઝનેશથી એક કરતા વધુ વ્યક્તિને રોજગારી મળી શકે છે. પ્લમ્બીંગ, કારપેન્ટરી જેવા સ્કીલ્ડ કામ લોકોને પુરતા પ્રમાણમાં રોજગારી આપી શકે માટે સરકાર વધુને વધુ યુવાનો સ્કીલ્ડ બને તેવું ઈચ્છે છે.
ઘણા સ્થળે ભારતની જાતિ પ્રથા બેરોજગારી પાછળ જવાબદાર હોવાનું પણ નિષ્ણાંતો માની રહ્યાં છે. હેર ડ્રેસર બનીને રોજગારી મેળવવાની જગ્યાએ લાંબા સમય સુધી રાહ જોઈ કલાર્ક કે પ્યુન બનવા માટે અમુક સમાજના યુવાનો પ્રયાસ કરે છે. યુવાનોની લાંબો સમયગાળો સરકારી નોકરી અથવા અનુકુળ રોજગારી મેળવવા પાછળ ખર્ચાઈ જાય છે. સ્કીલ્ડ ડેવલોપમેન્ટ થતું નથી પરિણામે લાંબાગાળે બેરોજગારી ભરડો લઈ લે છે.
ભારતનો જીડીપી ગ્રોથ ૭ ટકાથી વધુનો છે. છતાં પણ દર વર્ષે વર્કફોર્સમાં ઉમેરાતા ૧.૨ કરોડ યુવાનોને પુરતી રોજગારી મળતી નથી. જેના પાછળ સ્કીલ્ડ મેનપાવર અથવા કેટલીક નોકરી-કામ સ્વીકારવામાં છોછ કારણભૂત છે. આગામી ચાર વર્ષમાં દેશમાં ૪૦ કરોડ લોકોને સ્કીલ્ડ બનાવવા જરૂરી છે. જેની પાછળ સરકાર ૫.૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા તૈયાર છે.
ભારતમાં હાલ ૧૪૦૦૦ આઈટીઆઈ છે. દેશમાં દર વર્ષે ૧.૫ કરોડ લોકોને ટ્રેનિંગ આપવાની જરૂર પડે છે. છેલ્લા ચાર વર્ષમાં સરકારી પ્રોગ્રામ હેઠળ ૩.૬ કરોડ લોકોને ટ્રેઈન કરાયા છે. છતાં પણ હવે પારંપરીક સ્કીલ્ડથી વધુને વધુ રોજગારી આપવાનો પ્રયાસ થશે.
અચ્છે દિન… ૧૦ મહિનામાં ૧.૨ કરોડ રોજગારી ઉભી કરાઇ
જૂન સુધીના ૧૦ મહિનાની અંદર ૧.૨ કરોડ નોકરીઓ ઉભી કરાઈ હોવાનું સેન્ટ્રલ સ્ટ્રેટેટીકસ ઓફિસ (એસસીઓ)ના આંકડા કહે છે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૭ થી જૂન ૨૦૧૮ સુધીમાં હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ એમ્પલોયર્સ સ્ટેટ ઈન્સ્યોરન્સ (ઈએસઆઈ)માં ૧,૧૯,૬૬,૧૨૬ નવા મેમ્બર જોડાયા છે. જયારે ઈપીએફઓમાં ૧,૦૭,૫૪,૩૪૮ નવા સભ્યો જોડાયા છે. જયારે નેશનલ પેન્શન્સ સ્કીમ હેઠળ ૬,૧૦,૫૭૩ સભ્યોનું જોડાણ થયું છે. અહીં ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ સ્ટેટેટીકસ ઓફિસ ઈપીએફઓ, ઈએસઆઈસી અને એનપીએસની વ્યવસ્થા સંભાળે છે. આ રિપોર્ટ સંસ્થાઓ પોતાની પાસે જમા થયેલા આંકડાનુસાર તૈયાર થયો છે.