રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને સૌરાષ્ટ્રભરમાં ન્યુરોલોજી માટે હોસ્પિટલોને કરારબઘ્ધ કરવા માંગણી ઉઠાવાઈ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મગજને લગતી બિમારી માટે ન્યુરોલોજીસ્ટોની નિમણુક થતી ન હોય ગરીબો દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા હોવાથી આજે રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હોસ્પિટલોમાં ન્યુરોલોજીસ્ટોને કરારબઘ્ધ કરવા માંગણી કરી ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓ માટે સુવિધા ઉભી કરવા જણાવાયું હતું.
રાષ્ટ્રીય કરણી સેના દ્વારા થયેલી રજુઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર તબીબી ક્ષેત્રે મેડિકલ હબ બની રહ્યું છે. નાના-મોટા દર્દ-બિમારીઓથી માંડીને જટીલ રોગોની સારવાર કે સર્જરી હવે સૌરાષ્ટ્રમાં ઉપલબ્ધ બન્યા છે. મલ્ટીનેશનલ કક્ષાની સેવા આપતી અનેક હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં કાર્યરત છે પરંતુ આજના યુગમાં તબીબી સારવાર સામાન્ય માણસને પરવડે તેમ નથી.
અત્યાધુનિક સુવિધાઓ હોવા છતાં આર્થિક સંકળામણના કારણે જરૂરી સારવાર કે ઈલાજના અભાવે પીડિત દર્દીઓ માટે સૌરાષ્ટ્રની અનેક સેવાભાવી સંસ્થાઓ આરોગ્યલક્ષી સેવાઓ આપે છે. રાહતદરે કે વિનામૂલ્યે સારવાર અને દવા આપવા બાબતેના સેવાયજ્ઞ ચાલતા રહે છે પરંતુ કોઈ જટિલ બિમારી કે ઓપરેશન જેવી બાબતો માટે ગરીબ સામાન્ય વર્ગને મોંઘીદાટ સેવા આપતી ખાનગી હોસ્પિટલ પર જ આધાર રાખવો પડે છે.
વધુમાં સરકાર દ્વારા આ જટિલ બિમારી કે ઓપરેશનની ગંભીર બાબતોને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ૬૨૮ જેટલી ગંભીર બિમારીઓ માટે કરારબદ્ધ થયેલી હોસ્પિટલમાં આ જટિલ બિમારીમાં ઉતમ પ્રકારની સારવાર આપવામાં આવે છે.
આ યોજના હેઠળ સરકારે નિયત ચેકલિસ્ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી અનુદાન મેળવતી સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલોને કરારબદ્ધ કરવામાં આવેલ છે. આ કરારબદ્ધ થયેલ હોસ્પિટલોમાં સૌરાષ્ટ્રમાં એક પણ હોસ્પિટલમાં ન્યુરોલોજી સારવાર માટેના કરાર થયેલા નથી.
આ સંજોગોમાં સૌરાષ્ટ્રને આ બાબતે ન્યાય અપાવી અને ઉચ્ચ સ્તરે રજુઆત કરી બની શકે એટલું જલ્દી આ સેવાનો લાભ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને મળે અને દર્દીઓને જીવતદાન મળે તે હેતુ માટે યોગ્ય પગલા લઈ અને સૌરાષ્ટ્રની હોસ્પિટલોને ન્યુરોલોજી બાબતે કરારબદ્ધ કરવા માંગ ઉઠાવાઈ હતી.