વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર ૩૦ સ્થળે માર્જીન પાકિર્ંગની જગ્યામાં ખડકાયેલા ઓટા, પતરા, છાપરાનું દબાણ હટાવાયું
કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે ગેરકાયદેસર પાર્કિંગ ઝુંબેશ અંતર્ગત શહેરના વોર્ડ નં.૧૮માં પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા દબાણો દુર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોઠારીયા ગામમાં જુની ગ્રામ પંચાયતની બાજુમાં ૨૪ મીટરના ટીપી રોડ પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલી ૩ પાકી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૩૦ સ્થળોએ માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દુર કરાયા હતા.
આ અંગે વધુ માહિતી આપતા ટીપીઓ એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, આજે હાથ ધરવામાં આવેલી ડિમોલીશન અંતર્ગત કોઠારીયા ગામમાં ગ્રામ પંચાયતની કચેરીની બાજુમાં ૨૪ મીટરના ટીપી રોડ પર ગેરકાયદે ખડકી દેવાયેલી ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત ગેરકાયદે પાર્કિંગ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર ત્રિમૂર્તિ રેસ્ટોરન્ટ, ડો.એચ.કે.ઈસાણી, ડો.હિરેન રાજદેવ, કનૈયા ઓટો ગેરેજ, દયાસિંધુ મેડિકલ, કુરેશી પાન, રામકાચ સ્ટીલ ફેબ્રીકેશન, સ્પીડ એન્જીન એન્ડ ફેબ્રીકેશન, રાધે શ્યામ ફરાળી પેટીશ, ગાત્રાળ ટી સ્ટોલ, શ્રીરામ સ્ટીલ, મોમાઈ બિલ્ડીંગ મટીરીયલ્સની સામે, કોડીયાર ફેબ્રીકેશન, ખોડિયાર મંડપ સર્વિસ, રણુજા મંદિર પાસે, મોમાઈ નાસ્તા સેન્ટર અને ખેતલાઆપા ટી સ્ટોલ સહિત ૩૦ સ્થળોએ માર્જીન પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે ખડકી દેવામાં આવેલું ઓટાનું દબાણ, પતરાનું દબાણ, છાપરાનું દબાણ, પાકી દુકાનનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. એસ્ટેટ શાખા દ્વારા રૂ.૪૫ હજારનો વહિવટી ચાર્જ વસુલ કરાયો હતો.