વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનું કરાયું સન્માન: મંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિ
સ્વામિનારાયણ મંદિરે વિદ્યાર્થિનીઓ અને મહિલાઓની વિશાળ હાજરીમાં યોજાયું અભયમ્ મહિલા સંમેલન
રાજકોટ સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજિત ‘અભયમ મહિલા સંમેલન’ માં વિશાળ સંખ્યામાં વિર્દ્યાથીનીઓ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી રાજ્ય સરકાર દ્વારા ડાયલ ૧૮૧ એપ અભયવચન મેળવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો મેસેજ દ્વારા તમામ મહિલાઓના રક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું આશ્વાસન પાઠવ્યું હતું તેમજ મહિલાઓને એપની વિશેષતા જણાવી નિર્ભયતાના પાઠ શિખવ્યા હતાં.
સંમેલનના અધ્યક્ષ મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રાલયના મંત્રી વિભાવરીબેન દવેએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતને મહિલા સશક્તિકરણની પ્રેરણા પુરી પાડી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સૌપ્રથમ વખત મહિલા વિભાગ સ્વતંત્ર રીતે શરૂ કરાવ્યો હતો તેમજ બેટી બચાઓ બેટી પઢાઓ સૂત્ર આપ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા મહિલાઓ સંપૂર્ણપણે નિર્ભય બને તે માટે કટીબધ્ધ હોવાનું મંત્રી વિભાવરીબેન દવે જણાવતા કહ્યું હતું કે, અભયમ એપ, મહિલા અદાલત, મહિલા આરક્ષણ સહીત અનેક યોજનાઓ શિક્ષણ, રોજગાર અને વ્યવસાયમાં મહિલાઓ માનભેર આગળ વધી શકે તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે.
ભાજપ પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયાએ આ તકે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર મહિલા સશક્તિકરણ માટે સવિશેષ કાર્યરત હોવાનું જણાવ્યું હતું.
જેનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આવાસ યોજનાઓ માટે જેમને આવાસ ફાળવણી કરવામાં આવી છે તે તમામ મકાન પણ મહિલાના નામે જ કરાયા છે. જયારે રાજય સરકારે મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે જેમાં ૧૩૨ જેટલી યોજનાઓ માત્ર મહિલાઓ માટે ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પંચાયત અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજકોટ ખાતે આયોજિત મહિલા સંમેલનમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઈ સાગઠીયા, તેમજ અંજલીબેન રૂપાણી, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નીલામ્બરીબેન દવે, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા ઉપસ્થિત રહ્યાં હતા.