વિવિધ સામાજીક સંસ્થાઓનાં સહયોગથી ૪ ટન રાહત સામગ્રી કેરળ માટે રવાના: રાહત સામગ્રી વિનામૂલ્યે મોકલી આપવાનો રેલવેનો નિર્ણય
રેલ અધિકારી અને કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર પૂરપિડીતોની સહાય અર્થે આપશે
કેરળ પૂરપીડીતોની સહાય અર્થે સૌરાષ્ટ્રની વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા રાજકોટ રેલવેની પાર્સલ ઓફીસમાં આશરે આઠ ટન જેટલી સામગ્રીઓ મોકલવામાં આવી હતી રાજકોટ મંડળના રેલ પ્રબંધક પી.બી. નિનાવે તથા અન્ય રેલ અધિકારીઓની દેખરેખ હેઠળ ગઈકાલે ૪ ટન જેટલી સામગ્રી કેરળ રવાના કરવામાં આવી હતી.
રેલવે દ્વારા કેરળ રાજયનાં પૂર પીડીતો સુધી રાહત સામગ્રી વિનામૂલ્યે પહોચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત સામગ્રીમાં ઘઉં, ચોખા, દવા, ચાદર, કપડા, તેલીબીયા, પાણીની બોટલ, જયુસ, નમકીન, પ્રોટીન પાવડર સહિતની ચીજ વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. મંડળ રેલ પ્રબંધક નિનાવેએ રાજકોટ પાર્સલ ઓફીસમાં જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ સાથે રાહત સામગ્રી આપનાર સંસ્થાઓનો આભાર વ્યકત કર્યો હતો.
ઉપરાંત રાજકોટ મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના એક દિવસનો પગાર પૂર પીડીતોની સહાયમાં આપવાનો નિર્ણય લીધો છે. પાર્સલ ઓફીસની મુલાકાતમાં ડીઆરએમ પી.બી. નિનાવે સાથે એડીઆરએમ એસ.એસ. યાદવ, વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રી વાસ્તવ, સહાયક વાણિજય પ્રબંધક રાકેશ કુમાર પૂરોહિત, સ્ટેશન ડાયરેકટર મહેન્દ્રસિંહ અને વાણિજય નિરીક્ષક સી.એસ. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.