સ્કોટ મોરિસન ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન પસંદ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં છેલ્લા એક દશકમાં એક પણ સ્થાઈ સરકારી બની શકી નથી. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 11 વર્ષમાં 6 નવા વડાપ્રધાન આપ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન પદથી હટાવવામાં આવેલા મૈલકમ ટર્નબુલના નજીકના સહયોગી મોરિસન, પાર્ટીમાં થયેલા મતદાનમાં 45 વોટથી જીતી ગયા છે. ટર્નબુલની અન્ય એક સહયોગી વિદેશ મંત્રી જુલી બિશપ પણ આ સ્પર્ધામાં સામેલ હતી પરંતુ તેઓ પહેલાં તબક્કામાં જ આ દોડમાંથી બહાર નીકળી ગયા હતા.
છેલ્લા સપ્તાહમાં લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પછી લેબર પાર્ટીએ ફરીથી સીનેટમાં વડાપ્રધાન મૈલકમ ટર્નબુલ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો અને વચગાળાની ચૂંટણીની માંગણી કરી હતી. આટલું જ નહીં સત્તારુઢ લિબરલ પાર્ટીની અંદર પણ મતભેદ વધી રહ્યા છે. મંગળવારે થયેલા શક્તિ પ્રદર્શનમાં જ્યાં લિબરલ પાર્ટીના ઘણાં નેતાઓએ મૈલકમને જ તેમના નેતા માનતા હતા ત્યાં બુધવારે પાર્ટીના ઘણાં સભ્યો પૂર્વ ગૃહમંત્રી પીટર ડટનનું સમર્થન કરી રહ્યા છે.