પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૨૪ જિલ્લામાં અંદાજીત રૂ.૧૭૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧.૧૫ લાખ આવાસના લાર્ભાથીઓને ડિજિટલ માધ્યમ વડે ગૃહ પ્રવેશ કરાવતા મોદી
ધરમપુર અને કપરાડા તાલુકાના ૧૭૫ ગામડાને આવરી લેતી ૬૦૦ કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત
જૂનાગઢમાં રૂ.૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ, કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનીક ઈન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગ તેમજ નવી ફીશરીઝ કોલેજની ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમો
ગાંધીનગરમાં FSLના કાર્યક્રમ બાદ રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક
વડાપ્રધાન મોદી ફરી એક વખત આજે ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર ભારતીય વાયુદળના વિમાનમાં આવી પહોંચ્યા હતા. જયાં તેમનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્વાગત કર્યું હતું. સુરતથી તેઓ વલસાડના જુજવા ગામ પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ.૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧,૧૫,૫૫૧ આવાસોના વિવિધ જિલ્લાના લાર્ભાથીઓને સામૂહિક ઈ-ગ્રુહ પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ ૫૦૦૦ મહિલાઓને ઉદ્યોગ સાથે જોડાણના સ્કીલ સર્ટીફીકેટ તેમજ નિમણૂંક પત્રોનું વિતરણ પણ મોદીએ કર્યું હતુ. વલસાડના ધરમપુર, કપરાડાના અંતરીયાળ ગામોને પીવાનું પાણી પહોંચાડવાની રૂ.૫૮૬ કરોડની પાણી પુરવઠા યોજનાના ભૂમિ પૂજનની તકતીનું અનાવરણ પણ તેમણે કર્યું. ત્યારબાદ વિશાળ જનમેદનીને મોદીએ સંબોધીને ત્યારબાદ તેઓ જૂનાગઢ જવા રવાના થયા.
જૂનાગઢમાં વડાપ્રધાન મોદીએ રૂ.૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનીક ઈન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગ, નવી ફીશરીઝ કોલેજના ગર્લ્સ હોસ્ટેલનું ઉદઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલકત પ્રોસેસીંગ પ્લાન્ટનું લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ૩ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યા બાદ વિશાળ જાહેરસભા સંબોધી હતી.
જૂનાગઢમાં રૂ.૪૫૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે રવાના થયા હતા. ત્યારબાદ સાંજે ૬ કલાકે તેઓ ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહેવાના છે. જયાં તેઓ પદવી અને મેડલ એનાયત કરી દિક્ષાંત પ્રવચન આપશે. જયાંથી સાંજે ૭:૩૦ કલાકે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિતિ રહેશે.
આ બેઠકમાં મોદી, અમિત શાહ, કેશુ બાપા અને અડવાણી પણ હાજર રહેશે. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના સભ્યો વચ્ચે મહત્વની ચર્ચા થશે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં સુરક્ષા જાળવવા જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એકલા જૂનાગઢમાં જ ૭ એસપી, ૧૬ ડીવાયએસપી તેમજ ૧૬૦૦ પોલીસ જવાનો સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. મોદીની મુલાકાત દરમિયાન લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને રાજકીય પરિસ્થિતી બાબતે ભાજપના નેતાઓ સાથે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.