ગોધરામાં ૫ ઈંચ, મોરવાહડફમાં ૪॥ ઈંચ, બાલસિનોર, કપડવંજ, હાલોર, સહેરા, સંતરામપુર, ધરમપુર, વઘઈ અને કથલાલમાં ૪ ઈંચ વરસાદ: રાજયના ૧૮૭ તાલુકાઓમાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૮૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવા ઝાપટાથી લઈ ૫ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. જયારે સૌરાષ્ટ્રમાં માત્ર સરવડા વરસ્યા છે.

રાજયમાં છેલ્લા ૧ સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ રાજયના ૩૨ જિલ્લાના ૧૮૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ઉત્તર, મધ્ય અને દ.ગુજરાતમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યું હતું. જેના કારણે જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે. બીજી તરફ ગઈકાલે સૌરાષ્ટ્રમાં માત્ર હળવાથી મધ્ય ઝાપટા વરસ્યા હતા. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં હળવાથી ઝાપટાથી લઈ અડધો ઈંચ, મહેસાણા જિલ્લામાં અડધાથી લઈ ૧ ઈંચ, સાબરકાંઠા જિલ્લામાં અડધાથી લઈ ૨ ઈંચ સુધી, અરવલીમાં પોણા બે ઈંચ થી લઈ અઢી ઈંચ સુધી, ગાંધીનગર જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ પોણા બે ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.

જયારે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રીક વરસાદ વરસ્યો હતો. અમદાવાદ જિલ્લામાં ઝાપટાથી લઈ એક ઈંચ સુધી, ખેડા જિલ્લામાં એક ઈંચથી લઈ સાડા ચાર ઈંચ સુધી, આણંદ જિલ્લામાં એક થી લઈ ૨ ઈંચ સુધી, વડોદરા જિલ્લામાં અડધાથી લઈ અઢી ઈંચ સુધી, છોટા ઉદેપુર જિલ્લામાં ૧ થી લઈ ૩ ઈંચ સુધી, પંચમહાલ જિલ્લામાં ૨ ઈંચથી લઈ સાડા ચાર ઈંચ સુધી, મહિસાગર જિલ્લામાં ૨ ઈંચથી લઈ ૪ ઈંચ સુધી, દાહોદ જિલ્લામાં ૧ થી લઈ ૩ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.

જયારે દક્ષિણ ગુજરાતમાં ભ‚ચ જિલ્લામાં હળવા ઝાપટા, નર્મદા જિલ્લામાં અડધાથી લઈ દોઢ ઈંચ સુધી, તાપીમાં અડધાથી લઈ અઢી ઈંચ સુધી, સુરત જિલ્લામાં અડધાથી લઈ ત્રણ ઈંચ સુધી, નવસારી જિલ્લામાં સાર્વત્રીક એક થી લઈ ૨ ઈંચ સુધી, વલસાડ જિલ્લામાં ૧ થી ૪ ઈંચ અને ડાંગ જિલ્લામાં ૧ થી ૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આજ સુધીમાં રાજયમાં મોસમનો કુલ ૬૭.૬૬ ટકા વરસાદ પડી ગયો છે.

કચ્છ રીઝીયનમાં ૨૩.૮૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૭.૧૨ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૦.૭૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૬.૬૨ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૭.૮૮ ટકા વરસાદ વરસી ગયો છે.

આજે ભાવનગર, મહિસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી

મધ્ય અને ઉત્તર મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં હાલ લોપ્રેશર સાથે સાયકલોનીક સકર્યુલેશન પણ સક્રિય હોવાના કારણે આગામી બે દિવસ સુધી રાજયમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે રાજયના અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, અરવલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આવતીકાલે મહિસાગર, દાહોદ, પંચમહાલ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના પણ રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.