ઈરાનના ક્રુડ મામલે જગત જમાદારની દાદાગીરી સામે ભારત અને ચીન બંડ પોકારશે
ક્રુડનું રાજકારણ રમવામાં વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે હરીફાઈ
ક્રુડના કાળા કારોબારમાં તમામ દેશોએ હાથ કાળા કર્યા છે. ઈરાક, સાઉથી અરેબીયા અને ઈરાન જેવા દેશો ક્રુડ વેંચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ અમેરિકા, ચીન જેવા દેશો ક્રુડને પોતાની તાકાત સમજે છે. જગત જમાદાર અમેરિકા અગાઉ વિશ્વ પર ધાક જમાવવા ખાડીના દેશો સાથે સંઘર્ષમાં ઉતરી ચુકયું છે. ક્રુડના કાળા કારોબારના કારણે સુદાનના બે કટકા થયા છે. ઈરાન-ઈરાક વચ્ચે યુદ્ધો પણ થયા છે. ક્રુડનું રાજકારણ દરેક દશકે નવા રૂપ રંગ ધારણ કરે છે. હાલ ઈરાનના ઓઈલ મુદ્દે રાજકારણ ગરમાયું છે.
પરમાણું સંધી તોડયા બાદ અમેરિકાએ ઈરાન પર યેનકેન પ્રકારે દબાણ લાવવાનું શરૂ કર્યું છે. ઈરાન સાથે વ્યાપારી સંબંધો રાખતી વૈશ્વિક કંપનીઓને દબડાવવાનું શુરાતન અમેરિકાને ચડયું છે. પરીણામે યુરોપ સહિતના દેશો પણ ઈરાનથી દુર થવા લાગ્યા છે.
જોકે સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર ભારત અને ચીન આ મુદ્દે અમેરિકા સામે ઝુકવા તૈયાર નથી. ઈરાન હાલ ભારત અને ચીનને અન્ય દેશોની સરખામણીએ સસ્તા દરે ક્રુડ આપે છે માટે ઈરાનનું તેલ જતુ કરવું બંને દેશોને પોસાય તેમ નથી.
બીજી તરફ ટ્રેડવોરમાં જખ્મી થયેલા ચીન માટે હવે અમેરિકાની દાદાગીરી સહન થઈ શકે તેમ નથી. ચીન માટે હવે અમેરિકાએ ઈરાન પર મુકેલા પ્રતિબંધ સામે પડવું આવશ્યક છે. આ ચીન માટે શાખનો પ્રશ્ન બની ચુકયું છે માટે તે ભારતની મદદ લેવા ઈચ્છુક પણ છે.
જાપાન, સાઉથ કોરિયા અને યુરોપના કેટલાક દેશો નવેમ્બર મહિનાથી જ ઈરાન સાથે સંબંધો કાપી ચુકયા છે. અમેરિકાના પ્રતિબંધથી ઈરાન આર્થિક સંકટમાં મુકાયું છે. જોકે ચીન પણ હવે ક્રુડના કાળા કારોબારમાં માહેર થઈ ચુકયું હોય તે ઈરાનની મદદ કરી રહ્યું છે.
ભારત તેના ઈંધણની જરૂરીયાત પૂર્ણ કરવા ૮૦ ટકા ક્રુડ ઓઈલ આયાત કરે છે. જયારે ચીન ૫૦ ટકા તથા જાપાન અને દક્ષિણ કોરિયા ૧૦૦ ટકા ક્રુડ ઓઈલની આયાત કરે છે. ભારત મોટાભાગે ઈરાક, ઈરાન અને સાઉદી અરેબિયા પાસેથી ક્રુડ ખરીદે છે. આ દેશ ભારતની ૬૦ ટકા સપ્લાય પુરી કરે છે.
તાજેતરમાં જ ક્રુડ ઓઈલની વધતી કિંમતો અને ઓપેક દેશોની મનમાનીને પહોંચી વળતા ભારત અને ચીને સાથે મળીને ઓઈલ બાયર્સ કલબની સ્થાપના કરવા ચર્ચા કરી હતી. જેથી ક્રુડ ઓઈલ નિકાસ કરતા દેશો સાથે ક્રુડની કિંમત મામલે ભાવતાલ થઈ શકે અને એકંદરે બંને અર્થતંત્રને ફાયદો થઈ શકે હાલ તો ક્રુડના કાળા કારોબારમાં અમેરિકાની ચાલ સામે ભારત અને ચીન કેવી રીતે નિર્ણયો લે છે તેના પર સમગ્ર વિશ્વની મીટ છે.
હાલ તો ચીને અમેરિકાના ઈરાન ઉપરના પ્રતિબંધો સામે બાયો ચડાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાની મનાઈ છતાં ચીન ઈરાન પાસેથી ઓઈલ ટેન્કર ખરીદશે. પરીણામે તાજેતરમાં યુરોપે ઓઈલની ખરીદી બંધ કરી દેતા થયેલું નુકસાન ઈરાન માટે સરભર થઈ જશે.
આ ઉપરાંત ચીનને પણ અમેરિકા સામે બળ દેખાડવાની તક મળી જશે. એક રીતે જોઈએ તો ચીનને જાપાન કે સાઉથ કોરીયાની જેમ ક્રુડ ઓઈલની સંપૂર્ણ આધારીત રહેવું પડે તેવી જરૂર નથી. ચીન માત્ર ૫૦ ટકા ક્રુડ જ આયાત કરે છે. જયારે જાપાન અને સાઉથ આફ્રિકાનો સઘળો મદાર એટલે કે ૧૦૦ એ ૧૦૦ ટકા ક્રુડ ઉપર છે છતાં પણ ચીન હવે અમેરિકાના કાળા કારોબારનો જવાબ દેવા પ્રતિબંધ થયું છે. ચીનની કંપનીઓ ઈરાન સાથે મસમોટા કરાર કરવા જઈ રહ્યું છે ત્યારે અમેરિકાના પ્રતિબંધો સામે ઈરાન માટે ચીન આશાનું કિરણ જણાઈ રહ્યું છે.
ઇરાકની ચૂંટણી ભારત માટે ઇરાનીયન ઓઇલની સમસ્યા કેવી રીતે ગંભીર બનાવશે?
ઈરાકની વડી અદાલતે ચુંટણી અંગેના આપેલા ચુકાદાથી ભારતની ઓઈલ સમસ્યા વધે તેવી દહેશત છે. ઈરાકમાં ૯૦ દિવસની અંદર સરકાર બનાવવાનો આદેશ કોર્ટે આપ્યો છે. આ નવી સરકાર સીયા મુસ્લિમની આગેવાનીમાં મોકટાડા અલ સદ્રની આગેવાનીમાં બનશે તેવી ધારણા છે.
આ નેતા અગાઉ અમેરિકાના સૈન્ય ઉપર હુમલો કરનાર સંગઠનનો આગેવાન પણ છે. જેને ઈરાકની ચુંટણીમાં મોટા પ્રમાણમાં બેઠકો જીતી છે અને ત્રણ મહિનામાં સરકાર બનાવશે તેવી ધારણા છે. જેથી હવે અમેરિકાને ઈરાકની સરકાર સાથે પણ વાંકુ પડી શકે તેવું માનવામાં આવે છે.
ઈરાન બાદ હવે ઈરાક ઉપર પણ અમેરિકા પ્રતિબંધો મુકે તો ભારતની ઓઈલની સમસ્યા બેવડાઈ શકે છે. બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે અત્યારે અલ સદ્ર એકલો સતામાં નહીં આવે તેને અલ અમીરીનો ટેકો લેવો પડશે. અહીં ઉલ્લેખનીય છે કે ઈરાક સૌથી વધુ ક્રુડ ભારતને આપે છે. સાઉદી કરતા ઈરાન તરફથી મળતું ક્રુડ બે ગણું છે.