મગન ઝાલાવડિયાના ગોડફાધર કોણ?
ખેડૂતોના હિતની વાતો કરતા બની બેઠેલા સહકારી આગેવાનો જ ખેડૂતોનું અહિત કરી રહ્યાં છે?
બારદાનકાંડ, જીનકાંડ અને મગફળીકાંડના મુળ સુધી પહોંચવા સરકારની વિવસતા: બીચારા ખેડૂતોને ગેરમાર્ગે દોરી સબસીડી ચાઉં કરતા કહેવાતા ખેડૂત આગેવાન સામે કાર્યવાહી કરવામાં સરકારની લાચારી
ખેડૂતો પાસે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરી જુદી જુદી મંડળીઓને મગફળી ખરીદવાનું કામ સોંપવાની સાથે જ શરૂ થયેલા કૌભાંડને ભેદવા સરકાર દ્વારા કવાયત હાથ ધરાઈ છે ત્યારે મગફળીકાંડ, બારદાનકાંડ અને કપાસકાંડમાં સંડોવાયેલા સહકારી આગેવાનોના હાથ ખરડાયેલા છે. ખેડૂતોના હિતની વાત કરી ખેડૂતોની સબસીડી ચાઉં કરી જતાં આગેવાનો સરકારમાં બેસી ખેડૂતોને ગેરમાર્ગે દોરવા સહિતના કૌભાંડ પર્દાફાશ થશે અને તમામ કૌભાંડના મુળ સુધી પહોંચવામાં સરકાર વિવસ અને લાચારીની સ્થિતિમાં મુકાઈ છે.
ટેકાના ભાવે જુદી જુદી મંડળીઓ દ્વારા મગફળીની ખરીદી થયા બાદ મગફળીના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટના અને મગફળીમાં કાંકરા અને માટીની ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું છે અને સમગ્ર કૌભાંડનો સૂત્રધાર પડધરીનો તરઘડીયા ગામના મગન ઝાલાવડીયાને ગણાવવામાં આવી રહ્યો છે. આ મગન ઝાલાવડીયા કોણ છે ? તેને મોટો કોણે કર્યો ? તેના ગોડફાધર કોણ છે ? તે મુદ્દે તટસ્થ રીતે તપાસ થાય તો જ સમગ્ર કૌભાંડના મુળ સુધી પહોંચી શકાય તેમ હોવાનું જાણકારો કહી રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાં પાકતા કપાસ સમગ્ર વિશ્વમાં સારી કવોલીટીનો ગણવામાં આવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રની જીનીંગ મીલોને તાળા કેમ લાગી રહ્યાં છે એન જીનીંગ મીલોને બેંકો દ્વારા લોન કેમ આપવામાં આવતી નથી તે અંગે સરકાર દ્વારા મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરી સરકારમાં બેઠેલા સરકારી આગેવાનો પાસે જ સમગ્ર કૌભાંડનો દોરી સંચાર હોવાનું જગજાહેર હોવા છતાં આવા મોટામાથાઓ સુધી કૌભાંડની તપાસ કેમ પહોંચતી નથી તેવો સવાલ થઈ રહ્યો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની ઈચ્છા વ્યકત કરી છે. ત્યારે સહકારી ક્ષેત્રમાં ચાલતા સ્કેન્ડલને ભેદવુ જરી બન્યુ છે. સહકારી ક્ષેત્રમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરી પેધી ગયેલા સહકારી આગેવાનોની સરકાર દ્વારા સાફસુફી કરવામાં આવશે તો જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા પુરી થઈ શકે તેમ હોવાનું જાણકારો કહી રહ્યાં છે.
મગન ઝાલાવડીયાને કઈ લાયકાયતથી મેનેજર બનાવવામાં આવ્યો છે. તેને મગફળીમાં ભેળસેળની સાથો સાથ રાજકોટના જૂના યાર્ડમાં ખરીદ કરાયેલા બારદાન બારોબાર વેંચી નાખવાનું કૌભાંડ પણ આચર્યું છે. અત્યારે તો મગન ઝાલાવડીયા પર જ સમગ્ર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે અને મગન ઝાલાવડીયાને જ કૌભાંડનો સૂત્રધાર ચિતરવામાં આવી રહ્યો છે. ખરેખર તેના ગોડફાધરની પુછપરછ કરવામાં આવે તો તે કંઈ રીતે મેનેજર બન્યો અને કાળા કારોબારની કરેલી કમાણીમાં કોને કેટલો હિસ્સો આપ્યો તે અંગેની સત્ય વિગતો બહાર આવે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ખેડૂતોની જણસનો સરકારી આગેવાનો દ્વારા થયેલા કાળા કારોબાર સમગ્ર રાજયમાં ચકચાર જગાવી છે ત્યારે વાઘજી બોડા કોંગ્રેસ સાથે જોડાયેલ નથી તો ભાજપ સાથે પણ જોડાયેલ નથી તેમ છતાં તેના દ્વારા કૌભાંડ અંગે થતાં નિવેદનો ઘણા સુચક છે. આ બાબતે પણ તપાસ થાય તો મગફળીકાંડ, કપાસકાંડ અને બારદાનકાંડમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.
પેઢલાની સહકારી મંડળી દ્વારા મગફળીમાં થયેલી ભેળસેળ કૌભાંડની તપાસ દરમિયાન જ રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં બારદાનની ખરીદી અને બારોબાર વેંચી નાખ્યાનું કૌભાંડ પ્રકાશમાં આવતા ગોંડલ ડીવીઝનના સીપીઆઈ વી.આર.વાણીયાએ રાજકોટના બી-ડિવિઝન પોલીસમાં મગન નાનજી ઝાલાવડીયા, ગુજકોટના મેનેજર મનોજ, મનસુખ બાબુ લીંબાસીયા, કાનજી દેવજી ઢોલરીયા, નિરજ, પરેશ હંસરાજ સખારવા, મહેશ પ્રધાન અને અરવિંદ પરાજ ઠકકર નામના શખ્સો સામે રેર્ક્ડ સાથે ચેડા કરી કૌભાંડ આચર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં ગત તા.૧૩ માર્ચે આગ લાગવાના કારણે બારદાનનો મોટો જથ્થો સળગીને ખાખ થઈ ગયો હતો. આગ પૂર્વે જ મગન ઝાલાવડીયાએ રૂ.૧૫.૮૦ લાખનો બારદાનનો જથ્થો બારોબાર વેંચવા માટે રેકર્ડ સાથે અનેક વખત ચેડા કર્યાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સૌરાષ્ટ્ર ઝોન ગુજકોટ વેરહાઉસના મેનેજર મગન ઝાલાવડીયાના કહેવાથી જ ૩૦૮૦૦ નંગ બારદાન પનામ એગ્રો ટેકને મોકલ્યાનું અને અમદાવાદ ગુજકોટના મેનેજર મનોજને રૂ.૧૦ લાખ પહોંચાડયાનું બહાર આવ્યું છે.
ગુજકોટના બારદાન હોવાનું જાણવા છતાં રાજકોટના અરવિંદ ઠક્કરે ખરીદ કર્યા હતા અને સમગ્ર ખરીદ વેંચાણ કૌભાંડ મગન ઝાલાવડીયાના નજીકના સગા કાનજી દેવજી ઢોલરીયા પણ સંડોવાયેલાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આ અંગે છાનબીન કરી રહી છે. ખરેખર કૌભાંડના મુળ સુધી પહોંચવું હોય તો સરકારમાં બેઠેલા સહકારી આગેવાનો દ્વારા જ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.