રાજકોટના આંગણે પૂ.પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાશે
એલોપેથી-હોમિયોપેથી તો છે પરંતુ સિમ્પથી નથી
અપૂર્વમુનિએ ‘અબતક’ને પ્રમુખ સ્વામી મહારાજ જન્મોત્સવના આયોજનની વિસ્તૃત વિગતો આપી
જોઈએ છે અને જરૂરી છે વચ્ચેનો ભેદ પારખવામાં લોકો થાપ ખાઈ જતાં હોવાનું આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંત અપૂર્વમુનિ સ્વામીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, હાલ એલોપેથી અને હોમિયોપેથી તો સમાજમાં છે પરંતુ સિમ્પથી નથી.પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મોત્સવ રાજકોટના આંગણે આગામી તા.૫ થી ૧૫ ડિસેમ્બર સુધી માધાપર-મોરબી બાયપાસ રોડ ખાતે ઉજવવામાં આવશે જે અંગે આજે અપૂર્વમુનિ સ્વામીએ વિગતો આપી. તેમણે કહ્યું હતું કે, ૧૧ દિવસ સુધી ચાલનાર મહા મહોત્સવમાં વિવિધ સમાજલક્ષી આયોજન થશે. વિશ્ર્વ શાંતિ માટે યજ્ઞ યોજાશે. જેમાં હજારો યજમાનો ભાગ લેશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મહોત્સવમાં પ્રેરણા આપતા પ્રદર્શન ખંડો, આકર્ષક લાઈટ એન્ડ સાઉન્ડ શો, સંસ્કારલક્ષી કાર્યક્રમોનો લાભ લેવા વિશ્વમાથી લાખો સંતો-ભક્તો પધારશે. રાજકોટને આંગણે યોજાનારા પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં સ્વામીનારાયણનગર, વિશાળ કલાત્મક પ્રવેશ દ્વાર, રસપ્રદ પ્રદર્શન ખંડો, ભારતીય સંત પરંપરાના ઝરૂખાઓ, વૈદિક સ્વામીનારાયણ વિશ્વ શાંતિ મહાયાગ, રક્તદાન અને સેવાયજ્ઞો રહેશે. વિશ્વના ૫૫ી વધુ દેશોના લાખો હરીભક્તો કાર્યક્રમને દિપાવશે.
આજે અપૂર્વમુની સ્વામીએ સમાજને સંદેશો આપતા કહ્યું હતું કે, અનેક વસ્તુઓ એવી છે જે લોકોને જોઈએ છે પરંતુ જરૂર નથી હોતી. તેમણે બાળકને આપવામાં આવતા મોબાઈલનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, નાના બાળકને મોબાઈલની જરૂર નથી છતાં પણ જોઈતો હોય છે. તેમણે શાળા-કોલેજોમાં વ્યસનના વધતા પ્રમાણ બાબતે પણ ચિંતા વ્યકત કરી હતી. હાલ બાળકને પર્સન્ટેજ અને પર્સન્ટાઈલ વચ્ચે અટકાવી દેવામાં આવે છે. તેમણે શૈક્ષણિક સંસ્થાઓને અપીલ કરતા કહ્યું હતું કે, વાર્ષિકોત્સવમાં માત્ર ડાન્સના પ્રોગ્રામની જગ્યાએ સમાજ અને સંસ્કૃતિ માટેના કાર્યક્રમો પણ રાખવા જોઈએ.
પૂ.અપૂર્વમુનિ સ્વામીએ આઈએમ ન્યુ ગુજરાતી એપ્લીકેશનની વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે આઈએમ ન્યુ ગુજરાતીને ‘અબતક’નું અચિવમેન્ટ ગણાવ્યું હતું અને આ એપ્લીકેશનની પ્રશંસા કરી હતી.
અબતક પરિવારને ઉત્તરોત્તર પ્રગતિના આશિર્વચન પાઠવતા પૂ.અપૂર્વમુનિબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિર રાજકોટના વડા પૂ.અપૂર્વમુની સ્વામીએ ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન ‘અબતક’ પરિવારના સભ્યોને આશિર્વચન પાઠવ્યા હતા અને ઉત્તરોત્તર સતત પ્રગતિ કરતા રહો તેવી શુભકામના પણ આપી હતી.