કેરળ હાલ કપરી પરિસ્થિતીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં ન આવ્યું હોય તેવું પુર કેરળને ધમરોળી રહ્યું છે. મે મહિનાથી અત્યાર સુધીમાં ૩૨૪ લોકોના મોત થઈ ચૂકયા છે. એક જ દિવસમાં ૧૦૬ લોકોના મોત નિપજયા હોવાનું સરકારી આંકડા કહે છે.
મૃત્યુઆંક વધુ પણ હોય શકે છે. રાજયમાં થઈ રહેલા ભારે વરસાદથી ૨,૨૩,૦૦૦ લોકો બેઘર થઈ ચૂકયા છે. જેઓ ૧૫૬૮ રાહત કેમ્પોમાં આશરો લઈ રહ્યાં છે. દરમિયાન પંજાબ સરકારે કેરળ માટે ૧૦ કરોડ રૂપિયા રાહત ફંડ આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ વડાપ્રધાન મોદી પણ પુર પ્રભાવિત કેરળની મુલાકાતે તત્કાલ દોડી ગયા છે. કેરળના મુખ્યમંત્રી પીનરાઈ વિજયને કહ્યું છે કે, ચાર જિલ્લામાં પુરની સ્થિતિ કફોડી છે. અલાપ્પુજા, અર્નાકુલમ, પનમતીતા અને ચાલાકુડી નદીઓએ જળ પ્રકોપ મચાવ્યો છે. ૮ ઓગષ્ટ રાજય કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે.
તબાહીના પગલે ૮ હજાર કરોડથી વધુનું નુકશાન થયું છે. કેરળના મોટાભાગના શહેરોમાં હોસ્પિટલ સ્ટાફની ઘટ પણ જોવા મળી છે. હોસ્પિટલો જનરેટ ચલાવવા માટે ડિઝલના સ્ટોકની અછતથી ઝઝુમી રહી છે. ભારતીય કોસ્ટગાર્ડની ચાર કેપીટલ શીપ કોચી પહોંચી છે. જે ડિઝાસ્ટર અને રીલીફ ટીમ સાથે કામ કરશે. ૨૪ ટીમો પહેલેથી જ પ્રભાવિત ગામોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. ભારતીય કોસ્ટગાર્ડે અત્યાર સુધીમાં ૧૮૦૦ લોકોને બચાવ્યા છે અને ૫૦૦૦ લોકોને સુરક્ષીત સ્થળે પહોંચાડયા છે. પુર પ્રકોપની વચ્ચે આર્મી હવાઈ દળ, નૌકાદળ, ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની ટીમો બચાવની કામગીરીમાં છે. અનેક સ્થળોએ રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે. ઘણી ટ્રેનોને આંશિક રીતે રદ્દ કરી દેવાઈ છે જયારે ઘણી ટ્રેનોના રૂટ બદલાવી દેવાયા છે.
વાહન વ્યવહાર ઠપ્પ થવાના કારણે મોટાભાગના પેટ્રોલપંપ બંધ પડયા છે. ઘણા વિસ્તારોમાં પીવાના પાણીનું સંકટ ઉભુ થયું છે. રેલવે વિભાગે રાજયમાં પીવાના પાણીથી ભરેલા ટેન્કરો રવાના કર્યા છે. બોલીવુડના કલાકારો સોશ્યલ મીડિયાના માધ્યમી મદદ માટે અપીલ કરી રહ્યાં છે. ૧૯૨૪ બાદ કેરળમાં આવી પરિસ્થિતિ પ્રથમ વખત ઉભી થઈ છે. તાજેતરમાં જ ગૃહમંત્રી રાજનાસિંહે અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આજે વડાપ્રધાન મોદી પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવાના હોવાનું માનવામાં આવે છે.