અમદાવાદમાં ‘ગુજરાતી જલસો’ જોઈને નીકળતા દરેક પ્રેક્ષકોએ ખુબ સારો પ્રતિસાદ આપ્યો હતો. પાર્થિવ ગોહિલ, સાંઈરામ દવે, કિર્તીદાન ગઢવી, ભૂમિ ત્રિવેદી, માનસી પારેખ ગોહિલ, કિંજલ દવે, જહાનવી શ્રીમાંકર, હિમાલી વ્યાસ નાયક, ઉત્કર્ષ મજુમદાર, અર્ચન ત્રિવેદી, ચિરાગ વોરા, આરજે ઘ્વનિત, મનન દેસાઈ, હિતેન આનંદપરા, પ્રણવ પંડયા સહિતના ૧૫ કલાકારો એક સાથે એક મંચ પર આવ્યા હોય તેવી અમદાવાદની આ પહેલી ઘટના બની હતી.
ગીત સંગીત, હાસ્ય, નાટય, કાવ્ય સહિતની કલાના રંગ તમામ કલાકારોએ એક પછી એક રજુ કર્યા. જુની રંગભૂમિના ગણેશ મંડાણથી શરૂ થયેલા આ ગુજરાતી જલસામાં ગુજરાત વરસતું ધોધમાર ગીત સાથે સાંઈરામ દવેએ સોલિડ એન્ટ્રી કરી. સાંઈરામ દવેનો આ અંદાજ અમદાવાદીએ વખાણ્યો અને વધાવ્યો. પાર્થિવ ગોહિલે પણ પોતાના કંઠના એવા તે કામણ પાથર્યા કે દર્શકો મનોરંજનના જલસામાં મોજથી બેઠા રહ્યા.
ભૂમિ ત્રિવેદીએ સ્વલિખિત ગીત ગાયક કિર્તીદાન ગઢવીના કંઠે ગવાયેલા તમામ ગીત પર દાદ મળી તો જહાનવી શ્રીમાંકર અને હિમાલી વ્યાસ નાયકે મેળાની મોજ સહિતના ગીતોની રમઝટ બોલાવી માનસી પારેખ ગોહિલની બહુમુખી પ્રતિભાથી એકેએક પ્રેક્ષક પ્રભાવિત થયા. અર્ચન ત્રિવેદી, ઉત્કર્ષ મજુમદાર અને ચિરાગ વોરા સાથે માનસી પારેખ ગોહિલે જાણે કે જુની રંગભૂમિ મંચ પર ઉભી કરી દીધી. કિંજલ દવે એ તેના પ્રચલિત ગીતો પરફોર્મ કર્યા.હિતેન આનંદપરાએ કાવ્યનો જલસો કરાવ્યો તો સુત્રધાર તરીકે હિતેન આનંદપરાએ સતત શાબ્દિક જલસો કરાવ્યો હતો.
ગુજરાતી જલસો માટે શો હાઉસફુલ થયા બાદ પણ પ્રેક્ષકોની ડિમાન્ડ વધતા શો ગુજરાતી જલસોની યુ-ટયુબ ચેનલ પર ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવ્યો. આ કલાને અંદાજે ૧ લાખથી વધુ વ્યુઝ માત્ર ફેસબુક પર થયા. ગુજરાતી જલસો સાથે તમે આંગળીના ટેરવે કનેકટ રહી શકો તે માટે ગુજરાતી જલસોની મોબાઈલ એપ પણ આ જ કાર્યક્રમમાં પરીમલ નથવાણીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેન્શન સેન્ટરના વિશાળ સ્ટેજ પર એક સાથે ૧૫ કલાકારોએ હાઉસફુલ થઈ ગયેલા ઓડિયન્સને મનોરંજનનો રીતસરનો જલસો કરાવ્યો હતો.