કાનુનમંત્રી રવિશંકર પ્રસાદની ન્યાય પાલિકા પરની ટીપ્પણીથી સુપ્રીમ કોર્ટ ખફા
સરકારની નિષ્ક્રીયતાથી નાગરિકોના હકોનું શોષણ થાય તો શું કરવું જોઈએ-ન્યાયધીશ લોકુરનો કાનુનમંત્રીને પ્રશ્ન
તાજેતરમાં કેન્દ્રીય કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે સુપ્રીમ કોર્ટના જજ અને સીનીયર વકીલોને કહ્યું હતું કે, ન્યાય પાલિકાએ કાર્યપાલિકા અને નિતીઓના મામલે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. સરકાર બનાવવાનું કામ એ લોકો પર જ છોડી દેવું જોઈએ જેની માટે જે લોકોને ચુંટવામાં આવ્યા છે. કાનુનમંત્રી પ્રસાદના આ નિવેદનથી સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યકત કરી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સરકાર જ કામ કરી રહી ન હોય તો શું કરવું ? સરકાર જ જવાબદારીથી હટી જાય તો ફરજો કોણ પડાવશે ?
જણાવી દઈએ કે, ૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સુપ્રીમ કોર્ટના પરીસરમાં યોજાયેલા સમારોહમાં રવિશંકર પ્રસાદે હાજરી આપી હતી અને આ દરમિયાન તેમણે ન્યાયપાલિકા એટલે કે કોર્ટ વિરુઘ્ધ નિવેદનો આપ્યા હતા. કાનુનમંત્રી પ્રસાદે કહ્યું હતું કે, ન્યાયપાલિકાએ સરકારના દરેક કાયદા નિતી-નિયમમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ અને રાજયના ત્રણેય અંગોની કાનુન અલગ રાખવાને સન્માન આપવું જોઈએ. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન પ્રોગ્રામથી સંબંધિત એક પીઆઈએલની સુનાવણી કરતા ન્યાયાધીશ મદન બી.લોકુર, એસ.અબ્દુલ નજીર અને દીપક ગુપ્તાની બેંચે દુ:ખ વ્યકત કરતા કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર એવા લોકોને ઘર આપી શકી નથી કે જેઓ રોડ-રસ્તાઓ પર રહેવા મજબુર છે. આવા ગરીબોને માલિકીની છત પુરી પાડવા એક કમિટીની રચના કરવા પણ સુપ્રીમે આદેશ કર્યો છે.
કાનુનમંત્રી પ્રસાદના નિવેદન સામે ન્યાયધીશ લોકુરે કહ્યું કે, ન્યાયપાલિકાને ખબર છે કે ગવર્નન્સનું કામ સરકારનું છે અને તેમાં અમે કંઈ પણ કરી શકીએ નહીં પરંતુ અહીંયા કોઈ ગવર્નન્સ જ નથી. સરકાર તેના કારભારથી દુર હટી રહી છે. આવી સ્થિતિમાં શું કરવું જોઈએ તેમ પ્રશ્ર્ન ઉઠાવી ન્યાયધીશ લોકુરે કાનુનમંત્રી પાસે જવાબ માંગ્યો છે.