રૈયા ગામે ભરવાડ સમાજના અત્યાધુનિક શૈક્ષણિક સંકુલનું થશે નિર્માણ
મચ્છુ માતાજી મંદિર ટ્રસ્ટ, રૈયા ગામ, રાજકોટના પ્રમુખ નાથાભાઈ ટોળીયા, મંત્રી બાબુભાઈ ચાવડીયા દ્વારા જણાવાયું છે કે, મચ્છુ માતાજી મંદિર ટ્રસ્ટ, રૈયા ગામ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી રૈયા ગામના પાદરમાં આવેલ જમીનની શૈક્ષણિક સંકુલ માટે માંગણી કરવામાં આવેલ હતી અને આ અંગે ભરવાડ સમાજના આગેવાનો દ્વારા અવાર નવાર સરકારમાં રજુઆતો પણ કરવામાં આવેલ હતી ત્યારે તાજેતરમાં જ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમાજને શૈક્ષણિક હેતુ માટે બજાર ભાવના ૫૦ ટકા અને સરકારના પ્રવર્તમાન નિયમોને લક્ષમાં રાખી વિવિધ સમાજોને જમીન ફાળવણીના હુકમો કરવામાં આવેલ.
મંદિર ટ્રસ્ટના પ્રમુખ નાથાભાઈ ટોળીયા, મંત્રી બાબુભાઈ ચાવડીયા તેમજ સમગ્ર ગુજરાત ભરવાડ સમાજના ધર્મગુરૂ ઘનશ્યામપુરી બાપુ, ટ્રસ્ટી મંડળના રાજુભાઈ ચાવડીયા, ગોવિંદભાઈ બતાળા, કરશનભાઈ ધ્રાંગીયા સહિતનાઓએ આ નિર્ણયને આવકારી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા સરકારને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
આ અંતર્ગત વધુ માહિતી આપતા નાથાભાઈ ટોળીયા તથા બાબુભાઈ ચાવડીયાએ જણાવ્યું હતું કે, આ માટે સમાજના આગેવાનોની એક અગત્યની બેઠક ભરવાડ સમાજના ધર્મગુરૂ પ.પૂ.ઘનશ્યામપુરીબાપુના અધ્યક્ષ સ્થાને અને રાજય સરકારના ગોપાલક વિકાસ નિગમના પૂર્વ વાઈસ ચેરમેન દિનેશભાઈ ટોળીયાની ઉપસ્થિતિમાં મીટીંગ મળેલ જેમાં ૧૨૦૦ મીટર જમીન ઉપર શાળાનું નિર્માણ કરવામાં આવશે. શાળામાં સંપૂર્ણ હવા-ઉજાસ સાથે સારા ઓરડા અને સંપૂર્ણ સગવડતા સાથે આધુનિક ટેકનોલોજીથી માલધારી સમાજના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે આગોતરુ સુચારુ આયોજન કરવામાં આવશે.
અત્યાધુનિક ભવન બનતાં સૌરાષ્ટ્ર-કચ્છના માલધારી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાંચન માટે લાયબ્રેરી તેમજ આઈ.એ.એસ, આઈ.પી.એસ તેમજ સ્પર્ધાત્મક એકઝામના સેમીનારો દ્વારા શિક્ષણ અને તાલીમ, પ્રોફેશનલ મેનેજમેન્ટ, લીડરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ જેવા અનેક કાર્યક્રમો યોજી, વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મળી રહે તેવા આયોજનો તેમજ સૌરાષ્ટ્રભરમાંથી અભ્યાસ કરવા આવતા માલધારી સમાજના વિદ્યાર્થીઓને રહેવા માટે સંપૂર્ણ સગવડતા સાથે છાત્રાલય ભવનનું પણ સાથો સાથ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓમાં શારીરિક તેમજ માનસિક શકિતઓ ખીલે તે માટે શાળાના ખુલ્લા પરીસરમાં મેદાનની આજુબાજુમાં સઘન વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન સાથે માલધારી સમાજના બાળકો સ્પોર્ટસ ક્ષેત્રે આગળ આવે તે માટે વિશાળ રમત-ગમતનું મેદાન બનાવવામાં આવશે.
માલધારી સમાજના ધર્મગુરૂ ઘનશ્યામપુરીબાપુ (થરા ગામ)ના અધ્યક્ષ સ્થાને ટુંક સમયમાં સમસ્ત માલધારી સમાજનું મહાસંમેલન રાખવાનું આયોજન કરવામાં આવેલ છે. આ મહાસંમેલનમાં સમાજના જયેષ્ઠીઓ, શ્રેષ્ઠીઓ, દાતાઓ, આગેવાનો ઉપસ્થિત રહેશે.
જેમાં દિનેશભાઈ ટોળીયા, કરણાભાઈ માલધારી, રાજુભાઈ ચાવડીયા, બાબુભાઈ માટીયા, ભરતભાઈ મકવાણા, દિનેશભાઈ રાઠોડ, ભીખાભાઈ પડસારીયા, રાજુભાઈ ઝુંઝા, બાબુભાઈ ચાવડીયા, કરણાભાઈ ઝાપડા, સામતભાઈ ઝાપડા, નારણભાઈ વકાતર, પોપટભાઈ ટોળીયા, હકાભાઈ ટોયટા, અનીલભાઈ મેવાડા, ઘેલાભાઈ બાંભવા, ગોવિંદભાઈ બતાળા, મેરૂભાઈ બતાળા, માત્રાભાઈ મુંધવા, હાજાભાઈ ધ્રાંગીયા, રાજુભાઈ કાટોડીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહેલ. વધુ માહિતી માટે નાથાભાઈ ટોળીયા (મો.નં.૯૮૨૫૨ ૪૫૫૦૧) ઉપર સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.