જામનગર નજીકના મોરકંડામાં અભેરાઈ પર રાખેલો સળગતો દીવો ઉંદરે પછાડતા દાઝી ગયેલા પરિણીતાનું મૃત્યુ થયું છે. જ્યારે કાલાવડમાં બાઈક પરથી ફસકાઈ પડેલા વૃદ્ધ પર કાળનો પંજો પડયો છે. ઉપરાંત નવા બાંધકામમાં પાણી છાંટતા વૃદ્ધ લપસી પડયા પછી કાળની ગોદમાં સરી ગયા છે.
જામનગર તાલુકાના મોરકંડા ગામની સીમમાં આવેલી જંગલી પીરધાર પાસે રહેતા અજયભાઈ વિનોદભાઈ પરમાર નામના સતવારા યુવાનના પત્ની નિશાબેન (ઉ.વ.ર૦) ગયા રવિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે વીજળી ચાલી જતાં નિશાબેને અજવાશ માટે દીવો સળગાવ્યો હતો ત્યાર પછી આ મહિલા દીવાને ઘરમાં અજવાળું પડે તે માટે અભેરાઈ પર રાખી નિદ્રાધીન થયા હતા તે દરમ્યાન મોડીરાત્રે ઉંદરે દીવો પછાડતા સળગતો દીવો નીચે સૂતેલા નિશાબેનના ગોદળામાં પડતા આગનું છમકલું થયું હતું જેમાં નિશાબેન દાઝી ગયા હતા. તેણીના પહેરેલા કપડામાં આગ લાગતા તેને બુઝાવવાનો પ્રયાસ કરી નિશાબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આ મહિલાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પંચકોશી-બી ડિવિઝનના જમાદાર હરિહર પાંડવે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા હીરાબેન હરિલાલ સોલંકી નામના સાંઈઠેક વર્ષના વૃદ્ધા બીમાર પડી જતાં તેઓને ગઈ તા.૧૦ના દિને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેણીનુંગઈકાલે મૃત્યુ થયું છે. સિટી-બી ડિવિઝનના એએસઆઈ રણમલભાઈ આહિરે પ્રવિણાબેન સોલંકીનું નિવેદન નોંધી મૃતદેહનો કબજો સંભાળ્યો છે.
કાલાવડના શિવમ્નગરમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ કમાણી નામના યુવાન ગઈકાલે સાંજે પોતાના પિતા બાબુભાઈ કચરાભાઈ કમાણી (ઉ.વ.૬ર) સાથે જીજે-૧૦-એએસ ૪૧૩ નંબરના મોટરસાયકલ પર ધોરાજી રોડ પરથી પસાર થતા હતા ત્યારે પાછળ બેસેલા બાબુભાઈને ચક્કર આવી જતાં આ વૃદ્ધ ચાલુ વાહને ફસડાઈ પડયા હતા. તેઓને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા પછી મોડીરાત્રે તેઓનું મૃત્યુ થયું છે. સુરેશભાઈ કમાણીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણનગરમાં બ્લોક નં.૪૮૧/૭માં વસવાટ કરતા પ્રવિણભાઈ અમૃતલાલ દેવાણી નામના સાંઈઠ વર્ષના વણિક વૃદ્ધે પોતાના રહેણાંકમાં નવો ફલોર ચણાવ્યો હતો જેમાં ચાલી રહેલા કામમાં ગઈકાલે સવારે પ્રવિણભાઈ પાણી છાંટતા હતા ત્યારે અકસ્માતે લપસી પડતા ગંભીર ઈજાઓ સાથે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. તેઓના પુત્ર ધર્મેશભાઈ દેવાણીએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં રહેતા ભરતસિંહ કાનજીભાઈ ચૌહાણ નામના પંચાવન વર્ષના પ્રૌઢને ગઈરાત્રે છાતીમાં દુ:ખાવો ઉપડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે વહેલી સવારે આ પ્રૌઢનું મૃત્યુ થયું છે. આશાબેન ભરતસિંહ ચૌહાણે પોલીસને જાણ કરતા એએસઆઈ આર.ડી. આહિરે મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે.