લાંબા વિરામ બાદ વરસાદના બીજા રાઉન્ડથી જગતાત ખુશખુશાલ અમદાવાદ, નડીયાદ, રાજકોટ, જુનાગઢ સહિતના સ્થળોએ સવારથી કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે હેત વરસાવતા વરૂણદેવ
લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થતા લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતા તેની અસર તળે રાજયમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી અમદાવાદ, નડીયાદ, સુરત, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સહિતના શહેરોમાં કયાંક ધીંગીધારે તો કયાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
ચાલુ સાલ નૈઋત્યના ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં સારું એવું હેત વરસાવ્યું હતું જોકે છેલ્લા એક માસથી ચોમાસાની સિસ્ટમ નિષ્ક્રીય થઈ જતા વરસાદ ખેંચાયો હતો અને ખેડુતોના ખેતરોમાં ઉભેલા મોલ રિતસર સુકાવા લાગ્યા હતા. રાજયભરમાં પાણીની પણ કટોકટી ઉભી થવા પામી છે. આવા કપરા સમયમાં મેઘરાજાને બીજા રાઉન્ડમાં શાનદાર આગમન થતા જગતાત ખુશખુશાલ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૪૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
ગત મધરાતથી રાજયની આર્થિક રાજધાની અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આજે સવારે નડીયાદમાં એક કલાકમાં અનરાધાર સવા ઈંચથી પણ વધુ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે ગરનાળાઓ છલકાઈ ગયા હતા.
આજે સવારથી રાજકોટમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો જોવા મળતો હતો. સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના જુનાગઢ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આગામી બે દિવસ સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
છોટાઉદેપુર, તિલકવાડા, કવાંટ, ડોલવાણમાં ૫ ઈંચ વરસાદ
રાજયના ૨૪ જિલ્લાના ૧૪૧ તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય થવા પામી છે. છતિસગઢ અને તેની સાથે જોડાયેલા વિદર્ભ વિસ્તારમાં લો-પ્રેશર બનવાના કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે
ત્યારે આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૪ જિલ્લાના ૧૪૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં ૧૩૭ મીમી પડયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૪૧ જિલ્લામાં વરસાદ પડયો છે. જેમાં છોટા ઉદેપુરમાં ૧૩૭ મીમી, તિલકવાડામાં ૧૨૫ મીમી, કવાંટમાં ૧૧૮ મીમી, વાડોદમાં ૧૧૭ મીમી, ડોલવાણમાં ૧૧૭ મીમી, ગોધરામાં ૧૦૪ મીમી, ઉકરમુંડામાં ૧૦૧ મીમી, કયારામાં ૮૦ મીમી, સુબીરમાં ૭૮ મીમી, નિઝારમાં ૭૪ મીમી, કાનપુરમાં ૭૦ મીમી, ગડેશ્વરમાં ૭૦ મીમી, વાસંદામાં ૭૦ મીમી, ગરબાડામાં ૭૮ મીમી, સાગબારામાં ૭૬ મીમી, ઉછલમાં ૬૫ મીમી, બોડેલીમાં ૬૨ મીમી, જાંબુઘોડામાં ૬૧ મીમી, કલોલમાં ૬૦ મીમી, મહુવામાં ૫૭ મીમી, નવસારીમાં ૫૩ મીમી, કપરારામાં ૫૩ મીમી, ડેસરમાં ૫૨ મીમી, સંખેડામાં ૫૧ મીમી, શહેરા અને ઉમરપાડામાં ૫૦ મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાયના જિલ્લાઓમાં હળવા ઝાપટાથી લઈ બે ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. સવારથી દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયમાં ૩ દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહીછતીસગઢ અને તેની સાથે જોડાયેલી વિદર્ભ વિસ્તારમાં આગામી ૨૪ કલાક દરમિયાન વેલ માર્ચ લો-પ્રેશર સક્રિય થવાની સંભાવના છે તેની અસરતળે આજથી ૩ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ભચ, નર્મદા, છોટા ઉદેપુર વિસ્તારમાં અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના રહેલી છે.
આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જયારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ભચ અને સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે.
ટુંકમાં દરિયાકાંઠા વિસ્તારમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. લો-પ્રેશરની અસરતળે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સાર્વત્રિક અને સંતોષકારક વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.