ટ્રાફિક પાર્કિંગ માટે મહાપાલિકા અને પોલીસ સંયુકત ઓપરેશન હાથ ધરશે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મેયર, મ્યુનિ.કમિશનર અને પોલીસ કમિશનર
શાળા-કોલેજો કોમર્શીયલ બિલ્ડીંગો સહિતનાઓને
શહેરમાં વિકરાળ બનેલી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાની હળવી કરવા માટે રાજકોટ મહાપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવશે. શાળા-કોલેજો, કોમર્શીયલ બિલ્ડીંગો સહિતનાઓને પાર્કિંગ અને માર્જીનની જગ્યા ૪૮ કલાકમાં ખુલ્લી કરાવવા માટે અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે.
સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ કોર્પોરેશન અને પોલીસ તંત્ર તુટી પડશે તેમ આજે પત્રકાર પરીષદમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારું બની રહે તે માટે કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા એક ઓપરેશન સાથે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં ખાસ કરીને જાહેરમાર્ગો પર ધ્યાન કેન્દ્રીત કરાશે. મુખ્ય રાજમાર્ગો પર હોકર્સ ઝોનનું દબાણ દુર કરાશે. પાર્કિંગ ચાર્જ વસુલતા મોલને નોટિસ અપાશે. વાહન પાર્કિંગ માટે ફરજીયાત જગ્યા રાખવાના નિયમની કડક અમલવારી કરાશે, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, મોલ અને મલ્ટીપ્લેક્ષ ખાતે પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાશે. રોડ પરના રેસ્ટોરન્ટની માર્જીનની જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે. જો માર્જીનની જગ્યામાં ખુરશી ટેબલ હશે તો તે જપ્ત કરવામાં આવશે.
પાર્કિંગ માટે નવા સ્થળ આઈડેન્ટીફાઈ કરવામાં આવશે. મહાપાલિકા દ્વારા શહેરમાં નવા ૨૬ પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે. નો પાર્કિંગ ઝોન માટે સાઈન બોર્ડ મુકાશે. મહાપાલિકા દ્વારા આજે શહેર પોલીસને ટોઈંગ વાન આપવામાં આવ્યા છે. શાળા-કોલેજો, કોમર્શીયલ બિલ્ડીંગોને પાર્કિંગ માટેની જગ્યા ખુલ્લી કરાવવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે.
ત્યારબાદ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. ત્રિકોણબાગને ટ્રાફિક ફ્રી બનાવવા આરએમટીએસ બસ માટે લેન પાર્કિંગ, એસટીડીપીસીઓ માટે ખાસ પગલા લેવામાં આવશે. જાહેર માર્ગો પર અડચણપ ડેરી, પાર્લરની એપ્રુવલ કેન્સર કરાશે. રૈયા અને મવડી ફલાય ઓવરબ્રીજ પ્રોજેકટની કામગીરી ઝડપી બનાવાશે અને પાર્કિંગની પુરતી સુવિધા ઉભી કરાશે. શહેરમાં સ્પીડબ્રેકર અને ઝીબ્રા ક્રોસીંગ બનાવવામાં આવશે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રાફિક વ્યવસ્થા માટે શહેરના ૩૫૦થી વધુ ટ્રાફિક પોલીસ અને ૩૫૦થી વધુ ટ્રાફિક વોર્ડન છે અને વધુ ૫૦૦ વોર્ડનની માંગણી કરવામાં આવી છે. ટ્રાફિક અને પાર્કિંગની આ ઝુંબેશમાં શહેરીજનો પણ સાથ આપે તેવી તેઓએ અપીલ કરી હતી.
મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, પાર્કિંગ અને ટ્રાફિક ઝુંબેશમાં તંત્રને કોઈપણ પ્રકારનું પોલીટીકલ પ્રેશર આપવામાં આવશે નહીં. તંત્રને પોતાની રીતે કામ કરવાની પુરતી છુટ આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ શહેરમાં આવેલી શાળા-કોલેજો, કોમર્શીયલ બિલ્ડીંગ, શોપીંગ મોલને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપતા એવી ચેતવણી આપી છે કે જો પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવામાં નહીં આવે તો શાળા-કોલેજોની બાંધકામ પરવાનગી રદ કરવા સહિતના આકરા પગલાઓ લેવામાં આવશે.