પ્રેક્ષક ગેલેરી ખુલ્લી કરવાની માંગ સાથે કોંગી કોર્પોરેટરો સતત એક કલાક સુધી પ્રેક્ષક ગેલેરીમાં ઉભા રહ્યા: ભાજપ વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા
સભાગૃહમાં પોતાના સ્થાનને બદલે પ્રેક્ષક ગેલેરીમાં હંગામો મચાવનાર કોંગી કોર્પોરેટરની ગેરહાજરી પુરવા મેયરનો આદેશ: નીતિન રામાણીએ કોંગ્રેસને સાથ ન આપતા આશ્ચર્ય
કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા અને પરેશ હરસોડા ડિસ્કવોલીફાઈ થાય તેવી દહેશત
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ભારે હોબાળો મચ્યો હતો. છેલ્લા એક વર્ષથી વધુ સમયગાળાથી બંધ પ્રેક્ષક ગેલેરી ખોલવાની માંગ સાથે કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાની આગેવાનીમાં તમામ કોંગી કોર્પોરેટરો સભાગૃહમાં પોતાના સ્થાને બેસવાના બદલે પ્રેક્ષક ગેલેરીમાં ઉભા રહ્યા હતા અને ભાજપ વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી મહાપાલિકાના સભાગૃહમાં પ્રેક્ષકો માટે જનરલ બોર્ડ દરમિયાન પ્રેક્ષક ગેલેરી બંધ રાખવામાં આવે છે. કોંગ્રેસે અવાર નવાર માંગણી કરી હોવા છતાં મેયર દ્વારા પ્રેક્ષક ગેલેરી ખોલવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો ન હોવાના કારણે આજે કોંગ્રેસે જનરલ બોર્ડમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
કોંગ્રેસના ૩૦ કોર્પોરેટરો સભાગૃહમાં પોતાના સ્થાને બેસવાને બદલે પ્રેક્ષક ગેલેરીમાં ઉભા રહ્યા હતા અને તેઓએ ભાજપ હાય…હાય… મેયર હાય…હાય… કમિશનર હાય…હાય… હિટલર શાહી બંધ કરો, તાનાશાહી બંધ કરો, દાદાગીરી બંધ કરો, પ્રેક્ષક ગેલેરી ખોલો જેવા ઉગ્ર સુત્રોચ્ચાર સતત એક કલાક સુધી પોકાર્યા હતા.
સભાગૃહમાં પોતાના સ્થાને બેસવાને બદલે પ્રેક્ષક ગેલેરીમાં ઉગ્ર હંગામો મચાવનાર કોંગ્રેસના તમામ કોર્પોરેટરોની ગેરહાજરી પુરવા મેયર બીનાબેન આચાર્યએ આદેશ આપ્યો હતો. સભાગૃહમાં પોતાના સ્થાને બેસેલા વોર્ડ નં.૧૩ના એક માત્ર કોંગી કોર્પોરેટર નિતીનભાઈ રામાણી ઉપરાંત અગાઉથી રજા રીપોર્ટ મુકી દેનાર પરેશભાઈ હરસોડા અને જયાબેન ટાંક સિવાય કોંગ્રેસના તમામ ૩૦ કોર્પોરેટરોની ગેરહાજરી પુરવામાં આવી છે.
બીપીએમસી એકટના નિયમ મુજબ જો કોઈ કોર્પોરેટર સતત ત્રણ વખત જનરલ બોર્ડમાં ગેરહાજર રહે તો તેને ડિસ્કવોલીફાઈ કરવામાં આવે છે. આજે ૩૦ કોર્પોરેટરોની ગેરહાજરી પુરવામાં આવતા પારૂલબેન ડેર સહિત કોંગ્રેસના બે કોર્પોરેટરો બળતરફ થાય તેવી સ્થિતિ સર્જાતા કોંગ્રેસે જનરલ બોર્ડ બાદ હાજરી મામલે સેક્રેટરી એચ.પી.રૂપારેલીયા અને ત્યારબાદ મેયર બીનાબેન આચાર્યનો ઘેરાવ કર્યો હતો.
જનરલ બોર્ડમાં એક કલાકના પ્રશ્ર્નોતરી કાળમાં અનિતાબેન ગૌસ્વામીએ પુછેલા આરોગ્યલક્ષી પ્રશ્નની વિસ્તૃત ચર્ચા થઈ હતી. બોર્ડમાં રજુ કરવામાં આવેલી મુખ્ય ૧૧ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. જયારે વેતન વધારા માટે રાજય સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ અને દાદા જે.પી.વાસવાણીના નિધન બદલ શોક ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી રજુ કરાયો હતો જેને પણ સર્વાનુમતે બહાલી અપાઈ હતી.
વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાની અણઆવડતના કારણે કોંગ્રેસના બે કોર્પોરેટરો ડિસકવોલીફાઈ થાય તેવી દહેશત ઉભી થવા પામી છે. છેલ્લા ત્રણ જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર રહેનાર કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા અને પરેશ હરસોડા સામે ડિસકવોલીફાઈનું જોખમ ઝળુબી રહ્યું છે.