વિપક્ષી નેતાએ પુછેલા સવાલનો જવાબ મેયરને બદલે સ્ટેન્ડિંગ ચેરમેને આપતા મામલો બિચકયો: ભારે ગરમા-ગરમી
આવાસ યોજનામાં ફાયર સેફટીના સાધનોનો કોન્ટ્રાકટ પોતાના પુત્રને અપાવવા વશરામ સાગઠિયા અધિકારીઓને દબાવતા હોવાના ઉદય કાનગડના આક્ષેપ ખળભળાટ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ મેયર ચેમ્બરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંનેએ એકબીજા સામે આક્ષેપબાજી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આજે જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી કરવાની માંગ સાથે કોંગ્રેસના ૩૦ કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો અને સભાગૃહમાં પોતાના સ્થાને બેસવાના બદલે બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં ઉભા રહી બેફામ સુત્રોચ્ચારો પોકાર્યા હતા જેના પગલે બીનાબેન આચાર્યએ તમામ કોંગી કોર્પોરેટરોની ગેરહાજરી પુરવા તાકીદ કરી હતી. દરમિયાન બોર્ડ પૂર્ણ થયા બાદ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં કોંગી કોર્પોરેટરો સૌપ્રથમ સેક્રેટરી ચેમ્બરમાં ગયા હતા અને બોર્ડમાં હાજરી પુરવા મામલે સેક્રેટરી એચ.પી.રૂપારેલીયાનો ઘેરાવ કર્યો હતો ત્યારબાદ કોંગી કોર્પોરેટરો મેયર ચેમ્બરમાં ઘુસી ગયા હતા અને મેયર બીનાબેનને સવાલ કર્યો હતો કે, આજે બોર્ડમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરોની હાજરી પુરવાના છો કે ગેરહાજરી ? મેયર જવાબ આપે તે પૂર્વે સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવી દીધું હતું કે, તમામ કોંગી કોર્પોરેટરોની ગેરહાજરી પુરવામાં આવશે ત્યારે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ કાનગડને એવું કહ્યું હતું કે, અમે તમને નથી પુછતા તમે વચ્ચે ના બોલો. વિપક્ષી નેતાના આ શબ્દથી સ્ટેન્ડિંગ ચેરમેન આગ ભભુલા થઈ ગયા હતા અને તેઓએ મેયર ચેમ્બરમાં ઉંચા અવાજે ‘ગેટ આઉટ વશરામ સાગઠિયા’ એવું જણાવી દીધું છે ત્યારબાદ મામલો વધુ બિચકયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ ઉગ્ર બોલાચાલીમાં બંનેએ એકબીજા સામે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કર્યા હતા. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે વશરામ સાગઠિયાને કહ્યું હતું કે, તમારા ધંધા શું છે તે બધા જાણે છે. આવાસ યોજના સહિતના પ્રોજેકટોમાં તમારા પુત્રને ફાયર સેફટીના સાધનના કોન્ટ્રાકટ મળે તે માટે તમે અધિકારીઓને દબાવો છો આટલું જ નહીં ટીપી શાખાના અધિકારીઓને ખોટી રીતે દબાવી ગેરકાયદે બાંધકામો અંગે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવો છો તો સામાપક્ષે વશરામ સાગઠિયાએ પણ ઉદય કાનગડ સામે આક્ષેપ કર્યો હતો કે તમે પણ કલબ ચલાવો છો તે વાતથી લોકો અજાણ નથી. બંને વચ્ચે ૧૫ મીનીટથી વધુ ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક તબકકે મામલો મારામારી સુધી પણ પહોંચી ગયો હોત જો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા વચ્ચે પડયા ન હોત.