સામાન્ય જનતા પર પ્રભાવ પાડવા માનવ અધિકાર કમિટીનું લખાણ કર્યાની કબુલાત
શહેરના બાલાજી હોલથી ધોળકીયા સ્કૂલ તરફ જવાના માર્ગ પર સર્પ આકારે કાર ચલાવતા શખ્સને તાલુકા પોલીસે નશો કરેલી હાલતમાં ધરપકડ કરી તેની પાસેથી બે બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યો છે. કારમાં હ્યમન રાઇટ એસોસિએશનનું લખાણ હોવાથી પોલીસ પર રોફ જમાવવા પ્રયાસ કર્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા શેરી નંબર ૩માં રહેતા કાનજી નરશી મકવાણા નામના કુંભાર શખ્સને બાલાજી હોલથી ધોળકીયા સ્કૂલ તરફ જવાના માર્ગ પરથી જી.જે.૩જેએલ. ૨૩૩૩ નંબરની કારને સર્પઆકારે ચલાવતા પસાર થતા પીએસઆઇ જી.એસ.ગઢવી, હેડ કોન્સ્ટેબલ એચ.ડી.ચુડાસમા, અરજણભાઇ ઓડેદરા અને અશોકભાઇ ડાંગર સહિતના સ્ટાફે ધરપકડ કરી હતી.
કાનજી મકવાણાની પોલીસે બે બોટલ વિદેશી દારૂ અને નશો કરેલી હાલતમાં ઝડપી લીધો ત્યારે પોતે ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ એસોસિએશન સાથે જોડાયેલા હોવાનું જણાવી રોફ જમાવવા પ્રયાસ કયો હતો. કારમાં પણ માનવ અધિકાર કમિટીનું લખાણ હોવા અંગે કરાયેલી પૂછપરછમાં સામાન્ય જનતા પર પ્રભાવ પાડવા લખ્યું હોવાની કબુલાત આપી છે. પોલીસે રૂ.૩ લાખની કિંમતની કાર કબ્જે કરી તપાસ હાથધરી છે.