15મી ઓગસ્ટ નજીક છે ત્યારે રાજકોટના કોઠારીયા રોડ પર કૃષ્ણનગર-1માં આવેલી શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં હથિયાર બનાવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસ બાતમીના આધારે દરોડો પાડતા હથિયાર બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસ 17 દેશી તમંચા સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે. છેલ્લા 1 મહિનાથી આ કારખાનામાં દેશી બનાવટના હથિયારો બનાવવામાં આવતા હતા અને પોલીસે 98 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કારખાનામાં ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો બનાવતા ચાર આરોપીની પોલીસ ધરપકડ કરી છે. જેમાં હિરેન જેન્તીભાઇ સરધારા, હર્ષદ અરજણભાઇ હોથી, અલ્પેશ કેશુભાઇ વસાણી અને બાલુભાઇ શંકરભાઇ સાસોદીયાનો સમાવેશ થાય છે.
પોલીસે કારખાનામાંથી 17 દેશી તમંચા, 17 લાકડાના બટ, 10 લોખંડની બોડી, 9 બેરલ, 10 બેરલ બનાવવાના પાઇપ, 11 ફાયર પોઇન્ટનો લોખંડનો ભાગ, 18 બોડી ફિટિંગના ચીપીયા, 8 બોડી ફિટિંગના ચીપીયા, 10 ટ્રીગલ ગાર્ડ, 11 ફાયર પીન, 13 ફાયર પોઇન્ટ, 5 લોખંડના બેરલ સપોર્ટર અને 6 લોખંડની બટ અને બોડીનો સમાવેશ થાય છે.