નેટફલીકસ, હોટસ્ટાર અને એમેઝોન પ્રાઈમ વીડિયો જેવી ઓનલાઈન સ્ટ્રીમીંગ સર્વિસના કારણે પારંપરીક ડીટીએચ અને કેબલ નેટવર્કથી મોઢુ ફેરવતા લોકો
ડિજીટલ યુગનો ઉદય ડીટીએચ અને કેબલ માટે સૂર્યોદય સમાન બની રહ્યો છે. ડીટીએચ અને કેબલનો જમાનો હવે થોડા મહિના જ રહેશે. ૪જી નેટવર્કના કારણે ઈન્ટરનેટની સ્પીડમાં ધરખમ વધારો થતાં હવે લોકો ઓનલાઈન સ્ટ્રીમીંગ તરફ વળી રહ્યાં છે. પરિણામે પારંપરીક ડીટીએચ અને કેબલ ભૂતકાળ બની જશે તેવી સંપૂર્ણ શકયતા છે.
હાલ મોબાઈલની બોલબાલા હોવાના કારણે લોકો હવે નાના-મોટા ટીવી શો, ફિલ્મો તથા સ્પોર્ટસ સહિતનું મોબાઈલમાં જ ઓનલાઈન સ્ટ્રીમીંગથી નિહાળી શકે છે. છેલ્લા બે વર્ષમાં મોબાઈલના માધ્યમથી મનોરંજન તથા સમાચાર મેળવવાનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. સ્ટ્રીમીંગ સર્વિસમાં ક્ધટેન્ટ પણ મજબૂત અને દર્શકોને જકડી રાખે તેવું હોય છે. પરિણામે લોકો ધીમે ધીમે સીરીયલનો મોહ છોડી રહ્યાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન સ્ટ્રીમીંગથી ડીટીએચ અને કેબલ ઉપર સૌથી વધુ ખરાબ પરિણામો મેટ્રો શહેરોમાં જોવા મળી રહ્યાં છે. નેટફલીકસ, હોટસ્ટાર અને એમેઝોન પ્રાઈમ વિડીયો જેવી ઓનલાઈન સાહિત્ય પીરસ્તી સર્વિસના કારણે ઘણા લોકોએ ડીટીએચ અને કેબલ નેટવર્કથી મોઢુ ફેરવી લીધુ છે.
વર્ષ ૨૦૨૨ સુધીમાં ઓનલાઈન સ્ટ્રીમીંગ માર્કેટમાં ભારત ટોપ-૧૦માં પ્રવેશી જશે. ચાર વર્ષમાં ઓનલાઈન સ્ટ્રીમીંગના કારણે નવુ રૂ.૫૫૯૫ કરોડનું બજાર ઉભુ થશે. હાલ આ બજાર ૨૦૧૯ કરોડનું છે.