અરજદારને ચેક આપવા મુખ્યમંત્રી મંચ નીચે ઉતરી આવ્યા
જમીન વળતરના કેસમાં વૃદ્ધ લાભાર્થી પ્રત્યે બન્નેમહાનુભાવોએ સંવેદના દાખવી
ગોંડલ તાલુકાના કોર્ટના નવા બિલ્ડિંગના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની માનવીય સંવેદના જોવા મળી હતી. જમીન સંપાદનના એક કેસમાં આર્થિક વળતરનો ચેક સ્વીકારવા માટે ઉપસ્થિત રહેલા એક વૃદ્ધને નીચે જઇ હાથોહાથ ચેક અર્પણ કર્યો હતો. તેમની સામે હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ આર. સુભાષ રેડ્ડી પણ જોડાયા હતા.
જેતપુર તાલુકાની એક સિંચાઇ યોજનાના હેતું માટે સંપાદિત થયેલી જમીનના વળતરના એક જૂના કેસનો ચૂકાદો આવી ગયા બાદ અરજદાર માધવજીભાઇ વિઠ્ઠલભાઇ ભરાડને રૂ. ૧,૧૨,૩૧,૫૨૬નો ચૂકવવાપાત્ર થતો હતો. જે તેઓ સ્વીકારવા માટે ગોંડલ આવ્યા હતા.
તેઓ પોતાની વૃદ્ધાવસ્થાને કારણે સ્ટેજ ઉપર ચઢી શકે એમ નહોતા. એ સ્થિતિને પારખી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા મુખ્ય ન્યાયધીશશ્રી રેડ્ડી તુરંત નીચે દોડી આવ્યા હતા. આ બન્ને મહાનુભાવોએ વયવંદના કરી માધવજીભાઇને ચેક હાથોહાથ અર્પણ કર્યો હતો. આ દ્રષ્ય જોઇ ઉપસ્થિતિઓએ મહાનુભાવોની આ લાગણીને તાળીઓથી વધાવી લીધી હતી.