કાર્પેટ એરિયાની આકારણીથી લઈ અમલવારી અને વાંધા અરજીના નિકાલ સુધીની કામગીરીમાં બેસુમાર ક્ષતિઓ: પટેલને ખુલાસો પુછતા મ્યુનિ.કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. છેલ્લા બે-બે વર્ષથી શહેરમાં આવેલી લાખો મિલકતોની આકારણી કરવામાં આવી હતી. જેમાં બેસુમાર ક્ષતિઓ રહી છે. આકારણીથી લઈ અમલવારી અને વાંધા અરજીના નિકાલ સુધીની કામગીરીમાં ભારે ક્ષતિથી શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે કાર્પેટ એરિયા સેલના વડા અને આસિસ્ટન્ટ મેનેજર વત્સલ પટેલને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો પુછવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કાર્પેટ એરિયા આધારીત મિલકત વેરાની અમલવારી પૂર્વે બે વર્ષથી શહેરમાં આવેલી ૪.૫૦ લાખથી વધુ મિલકતોની આકારણી હાથ ધરવામાં આવી હતી. આકારણી સમયસર ન થવાના કારણે એક વર્ષ કાર્પેટ એરિયાની અમલવારી પાછી ઠેલાવવાની નોબત ઉભી થઈ હતી. બીજી તરફ જયારે આકારણીની કામગીરી ચાલી રહી હતી ત્યારે પણ એવી ફરિયાદ ઉઠી હતી કે એજન્સીના માણસો પૈસા લઈ ઓછો કાર્પેટ દર્શાવે છે છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. કાર્પેટ એરિયાની અમલવારી બાદ લાખોની સંખ્યામાં બીલ લીંકઅપ થયા ન હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. આટલું જ નહીં ૩૮ હજાર જેટલી મિલકતોના વેરામાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ગયો હતો. નવા કરમાળખા બાદ આવેલી વાંધા અરજીના નિકાલની વ્યવસ્થામાં પણ તંત્ર ઉણુ ઉતર્યું હતું. આ બધી ક્ષતિઓને ધ્યાનમાં રાખી જે-તે સમયે જયારે મહાપાલિકા દ્વારા કાર્પેટ સેલ ઉભો કરવામાં આવ્યો હતો અને તેના વડા તરીકે આસીસ્ટન્ટ મેનેજર વત્સલ પટેલની વરણી કરાઈ હતી.
કાર્પેટ એરિયાની અમલવારી બાદ બેસુમાર ક્ષતિઓ ધ્યાનમાં આવતા તાજેતરમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા વત્સલ પટેલને નોટિસ ફટકારી તેઓની સામે શા માટે શિક્ષાત્મક પગલા ન લેવા તેનો ખુલાસો કરવા તાકીદ કરાઈ છે.
ટેન્ડર સમયસર પ્રસિઘ્ધ થાય તે માટે કોર્પોરેશન લાગુ કરશે ઈઆરપી સિસ્ટમ
સમયસર ટેન્ડર પ્રસિઘ્ધ થતા ન હોવાના કારણે અનેક કામમાં કોન્ટ્રાકટની મુદત વધારવાની ફરજ પડે છે ત્યારે ટેન્ડરમાં નિયમિતતા લાવવા માટે મહાપાલિકા દ્વારા હવે ઈઆરપી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેનાથી કોઈપણ કામનું ટેન્ડરની મુદત પૂર્ણ થતી હોવાના અમુક સમય મર્યાદા પહેલા જ અતિ કાર્યો કે સંબંધિત વડાને એ વાતનો ખ્યાલ આવી જશે.