શરદી, ઉધરસ, તાવના ૧૫૯, ઝાડા-ઉલ્ટીના ૯૪, ટાઈફોઈડના ૩, મરડાના ૭, મેલેરિયાના ૩, કમળાના ૨ અને અન્ય તાવના ૧૯ કેસો નોંધાયા
ચોમાસાની સીઝનમાં વાદળછાયા વાતાવરણના કારણે શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા તાવે દેખા દીધી છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાંથી ડેન્ગ્યુના ૨ અને મેલેરિયાના ૩ કેસો મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. મચ્છરોની ઉત્પતિ સબબ ૨૫૭ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જયારે ૫૩,૬૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય શાખાના અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સામાન્ય અને તાવના ૧૫૯ કેસ, ઝાડા-ઉલ્ટીના ૯૪ કેસ, ટાઈફોઈડ મરડાના ૭ કેસ, કમરા તાવના ૨ કેસ અને અન્ય તાવના ૧૯ કેસ નોંધાયા છે. શહેરના ન્યુ નહે‚નગર અને ગંજીવાડા વિસ્તારમાં ડેન્ગ્યુ તાવના બે કેસ મળી આવ્યા છે. અલગ-અલગ વિસ્તારોમાંથી મેલેરિયાના પણ બે કેસો મળી આવ્યા છે.
મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૪,૧૧૪ ઘરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. શાળા-કોલેજ, હોટલ, હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત ૩૮૬ પ્રિમાઈસીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મચ્છરોની ઉત્પતિ સબબ ૨૫૭ લોકોને નોટિસ ફટકારી‚ રૂ.૫૩,૬૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૪૯ રેકડી, ૨૪ દુકાન, ૯ ડેરીફાર્મ, ૧૧ હોટલ, રેસ્ટોરન્ટ, ૪ બેકરી અને ૮ અન્ય સ્થળ સહિત કુલ ૧૦૫ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૩૬ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને ૯૨૦ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ચોમાસામાં ડેન્ગ્યુ અને મેલેરિયાએ દેખા દેતા આરોગ્ય શાખામાં ભારે દોડધામ મચી જવા પામી છે. ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી.