ગેસનો બાટલો લીક થતા આગ ભભુકી: કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાનો પર્દાફાશ
શહેરના વોર્ડ નં.૧૩માં ગુરૂપ્રસાદ ચોકમાં આવેલા કોર્પોરેશનના વસંતરાવ ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલમાં આજે સવારે અચાનક આગ ભભુકી ઉઠતા અફડા-તફડી મચી જવા પામી હતી. વોર્ડના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે આગ ગણતરીની મિનિટોમાં કાબુમાં આવી ગઈ હોય કોઈ જાનહાની થવા પામી ન હતી.
વોર્ડ નં.૧૩માં ગુરુપ્રસાદ ચોકમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં આજે પ્રસંગ નિમિતે રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક એલપીજી ગેસનો બાટલો લીકેજ થતા આગ ભભુકી ઉઠી હતી. સામાન્ય રીતે કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીના પુરા સાધનો હોવા જોઈએ પરંતુ ખુદ કોર્પોરેશનના જ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીની સુવિધા હતી નહીં.
આ ઉપરાંત હોલમાં ગેસના બાટલા વાપરવાની મનાઈ હોવા છતાં નિયમ વિરૂઘ્ધ એલપીજી કેસના બાટલાથી રસોઈ થઈ રહી હતી. આગ લાગ્યાની ગણતરીની જ મિનિટોમાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, મહાપાલિકાના ગુરુપ્રસાદ ચોકમાં આવેલા જે કોમ્યુનિટી હોલમાં આગ ભભુકી હતી ત્યાંથી ૧૦ ફુટના અંતરે જ બે ઈલેકટ્રીક ટીસી આવેલા છે.
જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોત તો મોટી જાનહાની નોંધાઈ હોત.કોર્પોરેશન સમગ્ર શહેરમાં ફાયર સેફટી અંગે નોટિસો ફટકારે છે પરંતુ ખુદ કોર્પોરેશનના જ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીની પુરતી સુવિધા ન હોવાની ઘટનાનો આજે પર્દાફાશ થયો છે.