પાકિસ્તાનના ખોટા પાસપોર્ટના આધારે થાઈલેન્ડમાં ઘુસેલા મુન્ના ઝીંગાડાને ભારત લાવવાના પોલીસના પ્રયાસો સફળ
ભારતમાં અનેક ગુનાઓ આચરી પાકિસ્તાનમાં શરણુ લઈ રહેલ ડી ગેંગ સામેની લડાઈમાં ભારત સરકારને મોટી સફળતા મળી છે. દાઉદના ખાસ માણસ ગણાતા છોટા શકીલના સાગરીત એવા મુન્ના ઝીંગાડા થાઈલેન્ડમાં ઝડપાઈ ગયા બાદ ભારતીય પોલીસે મુન્નાનો કબજો ભારતને સોંપવા કાનુની લડત લડતા આ લડતને સફળતા મળી છે અને ટુંક સમયમાં જ થાઈલેન્ડ પ્રત્યાર્પણ સંધી અંતર્ગત મુન્ના ઝીંગાડાને ભારતને સોંપવામાં આવી તેવી શકયતા જણાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમની ગેંગ દ્વારા વર્ષ ૨૦૦૦માં છોટા રાજન પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલામાં છોટા રાજનનો ખાસ માણસ રોહિત વર્માનું મોત નિપજયું હતું. આ હુમલા કેસમાં છેલ્લા ૧૦ વર્ષથી થાઈલેન્ડની જેલમાં દાઉદ અને છોટા શકીલનો સાગરીત એવો મુન્ના ઝીંગાડા જેલમાં સજા કાપી રહ્યો છે ત્યારે ભારતમાં અનેક ગુનાઓ આચરનાર દાઉદના આ સાગરીતને ભારત લાવવા માટે મુંબઈ પોલીસ દ્વારા અનેક પુરાવાઓ એકત્ર કરી થાઈલેન્ડને ડોઝીયર સોપ્યું હતું. જેમાં મુન્નાના ફિંગરપ્રિન્ટથી લઈ ડીએનએ અને કુટુંબના સભ્યોના પુરાવાઓ પણ જોડવામાં આવ્યા હતા.
બીજી તરફ મુન્ના ઝીંગાડાએ ખોટા પાકિસ્તાની પાસપોર્ટ ઉપર થાઈલેન્ડ ગયો હોય પોતાને પાકિસ્તાની નાગરિક ગણાવવા ખોટા પુરાવા પણ રજુ કર્યા હતા પરંતુ ભારત દ્વારા રજુ કરાયેલા નકકર પુરાવાઓને ધ્યાને લઈ વર્ષ ૨૦૧૬માં ફરી મુંબઈ પોલીસ દ્વારા પ્રત્યાર્પણ સંધી અંતર્ગત બેંગકોક સરકાર સમક્ષ મુન્નાનો કબજો ભારતને સોંપવા માંગણી દોહરાવી હતી.
દરમિયાન ભારતીય પોલીસ દ્વારા રજુ કરાયેલા પુરાવા ઉપરાંત મુન્ના ઝીંગાડાની કુંડળી કાઢતા ડોઝીયરને ધ્યાને લઈ થાઈલેન્ડ સરકાર દ્વારા ભારતમાં મુન્ના ઝીંગાડા દ્વારા ૧૯૯૪ થી ૧૯૯૭ દરમિયાન આચરવામાં આવેલા ગુનાઓને ધ્યાને લઈ પ્રત્યાર્પણ સંધી અંતર્ગત દાઉદ ગેંગના આ સાગરીતનો કબજો સોંપવામાં આવે તેવા અણસારો સાંપડી રહ્યા છે.