પાટીદાર ગ્રુપ દ્વારા ઓબીસી જ્ઞાતિમાંથી સમૃદ્ધ વર્ગને બાકાત કરવા કોઈ પગલું લેવાયું ન હોવાનો લગાવ્યો આરોપ
રાજયમાં પાટીદાર સમાજને અનામત આપવાની માંગ સાથે લાંબા સમયથી ચાલતા આંદોલન વચ્ચે પાટીદાર ગ્રુપ દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી પ્રવર્તમાન ગુજરાત બેકવર્ડ કલાસ કમિશનને વિખેરી નાખી પછાત જ્ઞાતીઓ માટે કાયમી પંચ નિમવા માંગણી કરી હતી. સાથોસાથ ઓબીસી જ્ઞાતિના સમુદાયમાંથી સમૃદ્ધ વર્ગને બાકાત કરવા માટે અત્યાર સુધીમાં કોઈ પગલા લેવાના ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ઉમિયા પરિવાર વિસનગર દ્વારા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી માંગણી ઉઠાવવામાં આવી હતી કે સામાજીક અને આર્થિક રીતે પછાત વર્ગના તમામ સમુદાયોને અનામતનો લાભ મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આ પીટીશન દાખલ કરવામાં આવી હોવાનું જણાવી પાટીદાર ગ્રુપ દ્વારા એવો પણ આરોપ લગાવાયો હતો કે, ઓબીસી અનામત હેઠળ અનેક સમૃદ્ધ લોકો પણ અનામતનો લાભ ઉઠાવી રહ્યા છે ત્યારે રાજયમાં પછાત જ્ઞાતીઓ માટે કાયમી કમિશન નિમવું જરૂરી છે. દરમિયાન જસ્ટીસ સુગન્યા ભટ્ટે આ મામલે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો છે.
વધુમાં અરજીકર્તા ઉમિયા પરિવાર વિસનગર દ્વારા હાઈકોર્ટ સમક્ષ અરજ કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના ઈન્દ્રાસહાની કેસમાં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શીકા મુજબ ગુજરાતમાં બંધારણીય જોગવાઈ મુજબ એસઈબીસી એટલે શૈક્ષણિક અને પછાત વર્ગો માટે કાયમી કમિશન બનાવવું જોઈએ અને ઈન્દ્રસહાનીના ચુકાદાના પાલન ન કરવા બદલ જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી નકકી કરવા પણ માંગ કરી હતી. જાહેર હિતની અરજી કરનાર ઉમિયા પરિવાર વિસનગરના વકિલ વિશાલ દવેએ દલીલ કરી હતી કે અત્યાર સુધી ઓબીસી શેડયુલમાં સમૃદ્ધ અને પગભર થયેલા લોકોને અનામતના લાભમાંથી બાકાત કરવા પણ કોઈ પગલા લેવાયા નથી અને આવા સંપન્ન થયેલા લોકોને અનામતમાંથી દુર કરી અન્ય લોકોને સમાવવા પગલા ભરવા પણ માંગણી કરી હતી.
વધુમાં પીઆઈએલમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, સામાજીક અને આર્થિક વર્ગની યાદીમાં કોઈપણ જાતીને અનામત માટે સામેલ કરતા પહેલા જે-તે જ્ઞાતિની આંકડાકિય વિગતો મેળવી બંધારણીય જોગવાઈ મુજબ પછાત તમામ લોકો માટે અનામતની જોગવાઈ કરવી જોઈએ.